સત્ય. સાહસ. સંકલ્પ.

નસવાડી APMC: 15 વર્ષ પછી 533 ખેડૂતો મતદાન કરશે, ભાજપ સામે ભાજપ

નસવાડી APMC: 15 વર્ષ પછી 533 ખેડૂતો મતદાન કરશે, ભાજપ સામે ભાજપ

છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણી માટે બુધવારે સવારથી મતદાન શરૂ થયું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 533 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

લગભગ 15 વર્ષ બાદ ખેડૂત વિભાગના મતદારોને મતદાન કરવાનો મોકો મળ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથક પર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી હતી. પુરુષ મતદારોની સાથે મહિલા મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે.

આ ચૂંટણીમાં ખાસ રસાકસી જોવા મળી રહી છે, કારણ કે ભાજપ સામે ભાજપના જ ઉમેદવારો મેદાનમાં છે. બંને પક્ષના ઉમેદવારો દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે.

મતદાન કરવા આવેલા ખેડૂતોનું કહેવું છે કે, APMCમાં જે પણ ઉમેદવારો ચૂંટાઈને આવે તેઓએ ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને ખેડૂતોને પડતી સમસ્યાઓના ઉકેલ માટે કામગીરી કરવી જોઈએ.

સવારથી જ મતદાન મથક પર મતદારોની લાંબી કતારો જોવા મળતા આ ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ખેડૂત વિભાગની 10 બેઠકો માટે યોજાઈ રહેલી આ ચૂંટણીમાં મતદારો કોના પક્ષમાં પોતાનો કળશ ઢોળે છે અને કોને APMCમાં પ્રતિનિધિત્વ કરવાની તક મળે છે.