અફઘાનિસ્તાનના 20 વર્ષીય ઓલરાઉન્ડર નસીર ખાન મરૂફખિલે શારજાહમાં ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ ડેબ્યૂ મેચમાં ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. તેણે પોતાની પહેલી ટેસ્ટમાં જ સદી ફટકારી અને એક ઇનિંગ્સમાં 7 વિકેટ ઝડપીને ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં આ કારનામું કરનાર માત્ર બીજો ખેલાડી બન્યો છે. જોકે, તેના આ શાનદાર પ્રદર્શન છતાં અફઘાનિસ્તાનને 57 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
આ ડાબોડી ઓલરાઉન્ડરે 13થી 17 નવેમ્બર દરમિયાન રમાયેલી બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ ઇનિંગ્સમાં તેણે બોલિંગમાં સાત વિકેટ ખેરવી હતી, જ્યારે બીજી ઇનિંગ્સમાં તેણે બે વિકેટ ઝડપી હતી. બેટિંગમાં પ્રથમ ઇનિંગ્સમાં 8મા નંબરે બેટિંગ કરતા તેણે 20 રન બનાવ્યા હતા, ત્યારબાદ બીજી ઇનિંગ્સમાં 242 બોલમાં 101 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી.
આ સાથે નસીરે ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. તેના પહેલા ટેસ્ટ ડેબ્યૂ પર આ કારનામું માત્ર ન્યૂઝીલેન્ડના બ્રુસ ટેલરે કર્યું હતું. ટેલરે 1965માં ભારત સામે ઇડન ગાર્ડન્સમાં 105 રનની ઇનિંગ્સ રમી હતી અને બોલિંગમાં ભારતની પહેલી ઇનિંગ્સમાં 86 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી.
ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઇતિહાસમાં અન્ય ખેલાડીઓ પણ છે જેમણે ડેબ્યૂ પર અડધી સદી ફટકારી છે અને પાંચ વિકેટ લીધી છે, પરંતુ ટેલર અને નસીર જ એવા બે ખેલાડી છે જેમણે ડેબ્યૂ પર સદી ફટકારી અને પાંચ વિકેટ લીધી છે.
નસીર ટેસ્ટ ડેબ્યૂ પર સદી ફટકારનાર માત્ર ત્રીજો અફઘાની બેટ્સમેન છે. અફઘાનિસ્તાન માટે સૌથી પહેલા આ કારનામું ઇસમત આલમે કર્યું હતું, જ્યારે રહેમાનુલ્લાહે તાજેતરમાં જ ઝિમ્બાબ્વે સામે ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારીને આ યાદીમાં સ્થાન મેળવ્યું હતું. હવે નસીરનું નામ પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે.
જોકે, નસીરનું ઐતિહાસિક પ્રદર્શન અફઘાનિસ્તાનને હારથી બચાવી શક્યું નહીં. ઝિમ્બાબ્વેએ આ મુકાબલો 57 રને જીતી લીધો અને બે મેચની સિરીઝ 1-0થી કબજે કરી.