સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદના નારોલ-સરખેજ બ્રિજનો 20 ફૂટ ઊંચો પિલર તોડવો પડ્યો, કોંગ્રેસે પૂછ્યું- અધિકારીઓ શું કરતા હતા?

અમદાવાદના નારોલ-સરખેજ બ્રિજનો 20 ફૂટ ઊંચો પિલર તોડવો પડ્યો, કોંગ્રેસે પૂછ્યું- અધિકારીઓ શું કરતા હતા?

અમદાવાદના નારોલથી સરખેજ વચ્ચે બની રહેલા એલિવેટેડ કોરિડોરમાં 15થી 20 ફૂટ ઊંચો પિલર તૈયાર થયા બાદ તેને તોડી નાખવામાં આવ્યો છે. આ પિલર તોડવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં બાંધકામના આયોજન અને ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મોનિટરિંગ રેકોર્ડ મુજબ આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 10.63 કિલોમીટર છે અને તેનો ખર્ચ રૂપિયા 1,295 કરોડ છે. તેને 15 ફેબ્રુઆરી, 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ પ્રોજેક્ટમાં 6-લેન રોડનું અપગ્રેડેશન અને જ્યાં જરૂર હોય ત્યાં એલિવેટેડ કોરિડોર બનાવવાનો સમાવેશ થાય છે.

વાયરલ વીડિયોમાં મશીનની મદદથી પિલર તોડવામાં આવતો જોવા મળે છે. સ્થળ પરના કર્મચારીએ જણાવ્યું કે પિલર બનાવતા-બનાવતા 'આઉટ' થઈ ગયો હતો, તેથી તેને તોડીને ફરી બનાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે આ કામગીરીનો ખર્ચ સરકાર તરફથી ચૂકવવામાં આવશે.

પ્રશ્ન એ છે કે પિલર 15થી 20 ફૂટ ઊંચો બની જવા પછી ખામી કેવી રીતે ધ્યાનમાં આવી? બાંધકામ પહેલાં કે દરમિયાન પિલરનું માપ, એલાઈનમેન્ટ અને ડિઝાઇનની ચકાસણી કેવી રીતે થઈ હતી, તે અંગે સ્પષ્ટતા જરૂરી બની છે.

સ્થાનિકો અન્ય સમસ્યાઓ પણ ગણાવી રહ્યા છે. ખોદકામને કારણે કેટલીક જગ્યાએ ડ્રેનેજ લાઈનો તૂટવાની ફરિયાદો સામે આવી છે, જેના લીધે આસપાસના વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા થાય છે. વધુમાં, હાઈવેનું લેવલ ઊંચું કરવામાં આવતાં આસપાસની કેટલીક સોસાયટીઓ નીચાણમાં આવી ગઈ છે. ચોમાસામાં ભારે વરસાદ પડતાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાયું હતું અને કેટલાક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યાની ફરિયાદો થઈ હતી.

નારોલ-સરખેજ કોરિડોર પર બ્રિજના કામને કારણે ટ્રાફિક જામ અને રસ્તાની ખરાબ સ્થિતિ અંગે પણ અગાઉ અહેવાલો સામે આવી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2026માં બ્રિજના કામ અને રસ્તા પરના ખાડાઓના લીધે નારોલ-સરખેજ માર્ગ પર ભારે ટ્રાફિક જામ થયાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.

કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે 15થી 20 ફૂટ ઊંચો પિલર બની ગયો હતો અને ત્યાર બાદ તેને તોડવામાં આવી રહ્યો છે, તો જ્યારે આટલો મોટો પિલર બની ગયો ત્યારે અધિકારીઓ શું કરતા હતા? તેમણે આક્ષેપ કર્યો કે વિકાસના નામે ચાલી રહેલી કામગીરીમાં સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા બેદરકારી થઈ રહી છે અને આ મામલો ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.

આ મુદ્દે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી હાર્દિક શાહ અને ડી.આર. મિસ્ત્રી સાથે વાત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો અને મેસેજનો પણ જવાબ આપ્યો નહોતો.