અમદાવાદના નારોલ વિસ્તારમાં એક કલર કોન્ટ્રાક્ટર અને તેમના પરિવારની મહિલાઓને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. પિતરાઈ ભાઈના ઘરેલું ઝઘડાની અદાવત રાખીને હિંમતનગરના સચિન પ્રદિપ યાદવ નામના યુવકે ફરિયાદી, તેમની પત્ની, કાકી અને પિતરાઈ બહેનના ફોટા પર અપશબ્દો લખીને ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ કર્યા છે. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
નારોલના શાહવાડી રોડ પર રહેતા 38 વર્ષીય ફરિયાદી કલર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમના પિતરાઈ ભાઈના લગ્ન વર્ષ 2021માં હિંમતનગરના ઉદયપુર હાઈવે પર દ્વારકેશ પાર્કમાં રહેતા પ્રદિપ યાદવની દીકરી પૂજા સાથે થયા હતા. લગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતા હાલ બંને અલગ રહે છે.
ફરિયાદીના કાકા-કાકી પીડિત પરિવારનું વધુ માનતા હોવાથી પૂજાના ભાઈ સચિનને એવો વહેમ હતો કે તેમની બહેનના ઘરેલું ઝઘડા આ કારણે થાય છે. આ બાબતે તે અવારનવાર પીડિત પરિવારના મોભી સાથે અભદ્ર ભાષામાં વાત કરતો હતો અને મિલકતમાં ભાગ પાડી દેવા દબાણ કરતો હતો.
3 નવેમ્બરના રોજ સવારે ફરિયાદીની પત્ની ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોઈ રહી હતી, ત્યારે તેમના ધ્યાને આવ્યું કે બે ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી તેમના પરિવારના ફોટા પોસ્ટ થયા છે. આરોપી સચિને 2 નવેમ્બરની રાત્રે ફરિયાદી, તેમની પત્ની, કાકી અને પિતરાઈ બહેનના ફોટોગ્રાફ્સ પર અપશબ્દો લખ્યા હતા. આ ઉપરાંત બદનામ કરવાના ઈરાદે મોબાઈલ નંબર પણ ફોટા સાથે જાહેર કરી દીધો હતો.
આ અંગે ફરિયાદીએ સચિનને ફોન કરીને ઠપકો આપતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને ધમકી આપી હતી કે "મેં જ તમારા ફોટા વાઈરલ કર્યા છે અને હજુ પણ વધુ ફોટા વાઈરલ કરીશ." ત્યારબાદ પણ આરોપીએ ફોટા ન હટાવી વધુ ફોટા વાઈરલ કરવાનું ચાલુ રાખતા અંતે નારોલ પોલીસ સ્ટેશનમાં સચિન પ્રદિપ યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.