અમદાવાદના નારોલ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડ્રેનેજ સિસ્ટમ નિષ્ફળ જતાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે અને લાંબા ટ્રાફિક જામ સર્જાયા છે. નાગરિકોએ તંત્રની કામગીરી અને કરોડોના ખર્ચે થયેલા ડ્રેનેજ કામ પર સવાલો ઉઠાવ્યા છે.
ઇસનપુરથી નારોલ તરફ જતા મુખ્ય માર્ગ તેમજ બીઆરટીએસ રૂટ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. વરસાદ થંભી ગયા પછી પણ પાણીનો નિકાલ ન થતાં લોકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. સ્થાનિકો અને મુસાફરોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવાઓ પણ ખોરવાઈ જતાં લોકો ગંતવ્યસ્થાને પહોંચી શક્યા ન હતા. કરોડોના ખર્ચે થયેલા ડ્રેનેજના કામ છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્ રહેતાં તંત્રના પ્રી-મોન્સુન પ્લાનની પોકળતા સામે આવી છે.