સત્ય. સાહસ. સંકલ્પ.

નર્મદાના સાગબારામાં જમીન હક્ક વિવાદ ચાલુ, 450 સનદની જાહેરાત છતાં ખેડૂતો ફરી આંદોલનની તૈયારીમાં

નર્મદાના સાગબારામાં જમીન હક્ક વિવાદ ચાલુ, 450 સનદની જાહેરાત છતાં ખેડૂતો ફરી આંદોલનની તૈયારીમાં

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામે આદિવાસી ખેડૂતો જંગલની જમીનના હક્કપત્ર માટે છેલ્લા કેટલાક દિવસથી આંદોલન કરી રહ્યા છે. આદિજાતિ મંત્રી નરેશ પટેલે 15 નવેમ્બરે 450 લોકોને સનદ આપવાની જાહેરાત કરી હતી, તેમ છતાં ખેડૂતોનો વિવાદ શમ્યો નથી. ખેડૂતો ફરી આંદોલનના માર્ગે જાય તેવા સંકેતો મળી રહ્યા છે.

આ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને તેમની વર્તમાન સ્થિતિ જાણી હતી. તેમણે વન વિભાગના કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે વનકર્મીઓ ખોપી ગામના ખેડૂતોને જમીન આપવા માગતા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે વન અધિકારી પાસે સનદ છે, તેથી સરકાર તેમને જ જમીનના હક્ક આપશે. જમીનના હક્કપત્ર માટે ખેડૂતોએ એકજૂથ થઈને લડત આપવી પડશે.

વસાવાએ એમ પણ કહ્યું કે સેટેલાઇટ સર્વેની ખામીને કારણે આદિવાસી ખેડૂતો હક્કપત્રથી વંચિત રહી શકે છે. જે આદિવાસીઓ 20 વર્ષથી જમીન ખેડી રહ્યા છે તેમને તેમનો હક્ક મળવો જોઈએ. ખેડે તેની જમીનની રાહે આ ખેડૂતો જમીનના ખરા હક્કદાર હોવાનું તેમણે જણાવ્યું.

આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે 450 લોકોની સનદ તૈયાર થઈ ગઈ છે. આ પ્રક્રિયા અહીં બંધ થતી નથી, તે અવિરત ચાલતી પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે આ કામગીરી માત્ર આદિજાતિ વિભાગ પૂરતી સીમિત નથી, પરંતુ વન, મહેસૂલ અને ગીર ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવી રહી છે.

નરેશ પટેલે વધુમાં જણાવ્યું કે નર્મદા જિલ્લાના જે ગામોમાં જમીન અધિકારો માટે લડત ચાલી રહી હતી તે ગામો પણ બાકાત નહીં રહે. આ ગામોના ખેડૂતોને પણ સનદ અપાશે અને નવા હક્કપત્ર આપવામાં આવશે. જે સાચા ખેડૂતો હશે તેવા તમામ લોકોને ભવિષ્યમાં સનદ આપીશું.

જોકે, મંત્રીની જાહેરાત છતાં સાગબારાના ખેડૂતોનો વિવાદ યથાવત્ રહેતાં હવે તંત્ર આ મુદ્દે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.