સત્ય. સાહસ. સંકલ્પ.

નર્મદા જમીન વિવાદમાં વસાવાનો મોઢવાડિયા પર ગંભીર આરોપ: 'આદિવાસીઓમાં ભાગલા પાડવાનું બંધ કરો'

નર્મદા જમીન વિવાદમાં વસાવાનો મોઢવાડિયા પર ગંભીર આરોપ: 'આદિવાસીઓમાં ભાગલા પાડવાનું બંધ કરો'

નર્મદા જિલ્લામાં ચાલી રહેલો જંગલ જમીનનો વિવાદ હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે. આ મુદ્દે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. વસાવાએ આક્ષેપ કર્યો છે કે વનમંત્રી આદિવાસી સમાજમાં 'ભાગલા પાડો અને રાજ કરો' જેવી નીતિ અપનાવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં અસંતોષ ફેલાયો છે.

સાંસદ વસાવાએ વનમંત્રી પર બેવડી નીતિ અપનાવવાનો પણ આરોપ મૂક્યો હતો. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે એક તરફ વનમંત્રી ઉમરપાડાના આદિવાસીઓને તેમના ખેતરો ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપે છે, જ્યારે બીજી તરફ સાગબારાના આદિવાસી ખેડૂતોને પોતાના જ ખેતરો ખેડતા અટકાવવામાં આવે છે. આ બેવડા વલણ પર સવાલ ઉઠાવતા વસાવાએ પડકાર ફેંક્યો કે વનમંત્રી અર્જુન મોઢવાડિયા જનતા સમક્ષ સ્પષ્ટ કરે કે તેઓ આદિવાસીઓની સાથે છે કે તેમની સામે.

સાગબારા પંથકની સ્થિતિ વર્ણવતા મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે જ્યારે સાગબારાના આદિવાસી ખેડૂતો પોતાની જમીન ખેડવા જાય છે ત્યારે વનમંત્રી તરફથી તેમને પકડીને રેન્જ ઓફિસ લઈ આવવાના સીધા આદેશો આપવામાં આવે છે. તેમના કહેવા મુજબ આ સૂચનાઓના કારણે જંગલ વિભાગ અને પોલીસ ખાતું બંને મળીને નિર્દોષ ખેડૂતો પર જુલમ ગુજારી રહ્યા છે. રાજ્ય સરકારના બે મહત્ત્વના વિભાગો દ્વારા ખેડૂતોને પરેશાન કરવામાં આવે તે બાબત તેમણે દુઃખદ ગણાવી છે.

આ વિવાદ વચ્ચે નર્મદાના ખોપી ગામે એક ઘટના સામે આવી છે. સાંસદના જણાવ્યા અનુસાર, જંગલ વિભાગના અધિકારીઓએ જમીન ખેડતા કેટલાક આદિવાસી ખેડૂતોની બળજબરીથી અટકાયત કરી અને તેમને એક ટેમ્પોમાં બેસાડી દીધા હતા. આ ઘટનાની જાણ સાંસદ મનસુખ વસાવાને થતાં જ તેઓ તાત્કાલિક ખોપી ગામે પહોંચ્યા હતા. સાંસદને ત્યાં આવેલા જોઈને જંગલ ખાતાના અધિકારીઓ ટેમ્પો મૂકીને ભાગી છૂટ્યા હતા.

આજે વનમંત્રી અર્જુન મોઢવાડિયા માંડવી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે, તે સમયે સાંસદ મનસુખ વસાવાએ તેમને સીધી ચેતવણી આપતા કહ્યું કે, "મંત્રી અર્જુન મોઢવાડિયા સમજી લો, આદિવાસીઓમાં ભાગલા પાડવાનું હવે બંધ કરી દો." આ નિવેદનને પગલે સ્થાનિક આદિવાસી સમાજમાં અને રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. આવનારા દિવસોમાં આ જંગલ જમીનનો મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે.