સત્ય. સાહસ. સંકલ્પ.

નર્મદાના હલગામપાડી ગામે ખેડૂતો-ફોરેસ્ટ વિભાગ વચ્ચે ઘર્ષણ, અધિકારીએ બેઠક બાદ શાંતિ

નર્મદાના હલગામપાડી ગામે ખેડૂતો-ફોરેસ્ટ વિભાગ વચ્ચે ઘર્ષણ, અધિકારીએ બેઠક બાદ શાંતિ

નર્મદા જિલ્લાના હલગામપાડી ગામમાં જંગલ જમીન પર ખેડાણને લઈને ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું.

ઘટનાની જાણ થતાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે ગ્રામજનોની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ તેમણે ફોરેસ્ટ વિભાગના નાયબ વન સંરક્ષક (ACF) ગૌરવ લોઢા સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો હતો કે કઈ કલમના આધારે ખેડૂતોને ખેડાણ કરતા અટકાવવામાં આવી રહ્યા છે. ચર્ચા બાદ માંગરોલાએ જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં એ સ્પષ્ટ કરવું જોઈએ કે 608 ખેડૂતોની દાવા અરજીઓ પેન્ડિંગ છે કે નહીં. જો તે પેન્ડિંગ હોય, તો નિયમો અનુસાર ખેડૂતોને ખેડાણ કરતા રોકવા ન જોઈએ.

હાલ મામલો શાંત છે અને ગ્રામજનોએ સોમવાર સુધી રાહ જોવાની ખાતરી આપી છે. આગામી દિવસોમાં આ મામલે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.