નર્મદા જિલ્લામાં આદિવાસીઓને જંગલની જમીનના હક્ક અપાવવાના મુદ્દે ભાજપમાં આંતરિક મતભેદ સપાટી પર આવ્યા છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આદિવાસીઓને જમીનના હક્ક અપાવવા માટે સરકારમાં રજૂઆત કરી રહ્યા છે, જ્યારે ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે આ પ્રશ્ન નર્મદા જિલ્લાનો ન હોવાનું જણાવીને સ્થાનિક રાજકારણમાં ચર્ચા ઊભી કરી છે.
નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા આદિવાસી પરિવારોને જંગલની જમીનના માલિકી હક્ક મળ્યા નથી. આ મુદ્દે સાંસદ વસાવા સતત સક્રિય છે અને તેમણે આદિવાસીઓને તેમના બંધારણીય હક્ક મુજબ જમીન મળે તે માટે સરકારના વિવિધ સ્તરે રજૂઆતો કરી છે.
બીજી તરફ, છોટાઉદેપુર ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ધારાસભ્ય કુબેર ડિંડોરે જણાવ્યું કે જંગલની જમીનનો પ્રશ્ન નર્મદા જિલ્લાનો નથી. તેમણે એમ પણ ઉમેર્યું કે જો નર્મદા જિલ્લાનો આવો કોઈ પ્રશ્ન હશે તો તેઓ પોતે તેનો ઉકેલ લાવવા તૈયાર છે.
આ વિરોધાભાસી નિવેદનોથી નર્મદા પંથકના રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. એક તરફ સાંસદ જમીન હક્ક માટે લડી રહ્યા છે, તો બીજી તરફ પક્ષના જ બીજા નેતા દ્વારા આ મુદ્દાના અસ્તિત્વ પર સવાલ ઉઠાવવામાં આવતાં આદિવાસી સમાજમાં અસમંજસની સ્થિતિ છે. હવે જોવાનું એ છે કે પક્ષના બે નેતાઓ વચ્ચેના આ મતભેદ પછી આદિવાસીઓનો જમીન પ્રશ્ન ઉકેલાય છે કે કેમ.