ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર (455 ફૂટ) સુધી ભરાઈ ગયો છે. બુધવારે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકતા નગર (કેવડિયા) ખાતે ડેમ સાઇટ પર પહોંચ્યા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે જળ પૂજન કર્યું હતું. મુખ્યમંત્રી તરીકે તેમણે સતત ત્રીજા વર્ષે આ પરંપરા નિભાવી છે.
સરદાર સરોવર ડેમ રાજ્યના વિકાસનું કેન્દ્ર છે. આ ડેમ 10,453 ગામડાં, 191 શહેરો અને 7 મહાનગરપાલિકાઓ સહિત 4 કરોડથી વધુ લોકોને પીવાનું પાણી પહોંચાડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 સપ્ટેમ્બર 2017ના રોજ ડેમનું રાષ્ટ્રાર્પણ કર્યું હતું. ત્યારપછી 2019, 2020, 2022, 2023, 2024, 2025 અને 2026માં ડેમ મહત્તમ સપાટીએ ભરાયો છે. ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ઘન મીટર છે.
ડેમ પર ગેટ બેસાડવાની મંજૂરી વડાપ્રધાન મોદીએ કેન્દ્રમાં સત્તા સંભાળ્યાના 17 દિવસમાં જ આપી હતી, જેનાથી ગુજરાતના વિકાસને નવી દિશા મળી હતી.
જળ વધામણાં પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વર્ષે નર્મદા બેસિનમાં સારો વરસાદ થયો છે. ગુજરાતને સામાન્ય રીતે ફાળવવામાં આવતા 9 મિલિયન એકર ફૂટ (MAF) પાણી સામે આ વખતે 7.9 MAF પાણી ઉપલબ્ધ થયું છે. આ પાણીનો કરકસરભર્યો અને આયોજનબદ્ધ ઉપયોગ થવો જોઈએ તેમ તેમણે કહ્યું.
રાજ્ય સરકારે આ પાણીનો ઉપયોગ ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના સુકા વિસ્તારોમાં વિતરણ માટે કર્યો છે.
જળ પૂજન કાર્યક્રમમાં પાણી પૂરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, સાંસદ મનસુખભાઈ વસાવા, રાજ્યસભા સાંસદ ડૉ. મુકેશભાઈ રાઠવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, SSNNLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પુરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા ઉપસ્થિત રહ્યા હતા.