સત્ય. સાહસ. સંકલ્પ.

નર્મદા ડેમનો 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો, ગુજરાતને કેટલા કરોડ મળશે તે હજુ સ્પષ્ટ નહીં

નર્મદા ડેમનો 30 વર્ષ જૂનો નાણાકીય વિવાદ ઉકેલાયો, ગુજરાતને કેટલા કરોડ મળશે તે હજુ સ્પષ્ટ નહીં

ગુજરાતની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમના પાણી, વીજળી અને મેન્ટેનન્સ ખર્ચને લઈને ચાર રાજ્યો વચ્ચે છેલ્લા 30 વર્ષથી ચાલતો નાણાકીય વિવાદ ઉકેલાયાનો દાવો કરવામાં આવ્યો છે. એકતાનગર ખાતે કેન્દ્રીય જલશક્તિ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. જોકે, ગુજરાતને કેટલા કરોડ રૂપિયા મળશે તે અંગે સત્તાવાર રીતે કોઈ આંકડાકીય સ્પષ્ટતા કરવામાં આવી નથી.

બેઠકમાં જણાવાયું કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચેના ખર્ચ અને લેણાં અંગેના વિવાદને વડાપ્રધાનના નિર્દેશ અને કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઉકેલવામાં આવ્યો છે. ચારેય રાજ્યોએ તેમના ખર્ચ પર 6% વ્યાજ ગણીને સમગ્ર હિસાબ ક્લિયર કરવા સંમતિ આપી છે. મધ્યપ્રદેશે છેલ્લા 10 વર્ષથી બાકી રહેલા મેન્ટેનન્સ અને ખર્ચના નાણાં પણ ચૂકવી દીધા છે. હવે દર વર્ષે ગુજરાતને મેન્ટેનન્સની રકમ સમયસર મળશે તેવું જણાવાયું છે. હાલમાં ચારેય રાજ્યો વચ્ચે પાણી કે વીજળી અંગે કોઈ વિવાદ બાકી નથી તેવો દાવો કરવામાં આવ્યો છે.

જોકે, કેન્દ્રીય જલશક્તિ મંત્રીએ કરેલી સત્તાવાર જાહેરાતમાં ગુજરાતને ચોક્કસ કેટલા કરોડ રૂપિયા મળશે અથવા કયા રાજ્યને કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. રકમની સત્તાવાર સ્પષ્ટતા ન થતાં આગામી દિવસોમાં આ નાણાકીય લેણ-દેણને લઈને ચર્ચાઓ શરૂ થઈ શકે છે.

ગુજરાતમાં પાણીની અછત નિવારવા માટે ચારેય રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તે મુજબ, ઓછા વરસાદ અને 'અલ-નીનો'ની અસરને કારણે પાણીની અછત ન સર્જાય તે માટે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વીજળી ઉત્પન્ન કરવાને બદલે તે પાણી સીધું ગુજરાતને આપશે. તેના બદલામાં બંને રાજ્યોને મળવાપાત્ર વીજળી બહારથી ખરીદીને આપવામાં આવશે અથવા તેના પૈસા ચૂકવવામાં આવશે. પાણીના બદલામાં વીજળી કે વળતર આપવાની ચોક્કસ ફોર્મ્યુલા ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો તૈયાર કરશે. આનાથી આ વર્ષે ગુજરાતમાં પાણીની સમસ્યા ઊભી ન થાય તેવી ધારણા છે.

એકતાનગર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના જલશક્તિ મંત્રાલયના મંત્રીઓ, સ્થાનિક સાંસદ અને ગુજરાતના મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 'ડેમ સેફ્ટી એક્ટ', ડેમની સુરક્ષા વધારવા, નદીઓની સફાઈ અને વિવિધ જળ પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.