નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયની સલાહકાર સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન વચ્ચે છેલ્લા 30 વર્ષથી ચાલી રહેલો નાણાકીય વિવાદ ઉકેલાયો છે.
બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશના જળશક્તિ મંત્રાલય સાથે સંકળાયેલા મંત્રીઓ અને સાંસદોએ ભાગ લીધો હતો. સરદાર સરોવર યોજનાના ખર્ચ અને નાણાકીય લેણાં અંગે ચારેય રાજ્યો વચ્ચે સમાધાન થયું છે. રાજ્યોના ખર્ચની ગણતરી 6% વ્યાજ સાથે કરીને હિસાબ ક્લિયર કરવામાં આવ્યો છે અને તમામ રાજ્યોએ આ ફોર્મ્યુલા પર સંમતિ દર્શાવી છે.
આગામી સમયમાં ઓછા વરસાઈ અને અલ નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પાણીની અછત ન ઊભી થાય તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નક્કી કરાયું છે કે જરૂર પડે તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વીજ ઉત્પાદન માટે પાણીનો ઉપયોગ કરવાને બદલે તે પાણી સીધું ગુજરાતને આપશે. તેના બદલામાં આ બંને રાજ્યોને મળવાપાત્ર વીજળી ખરીદીને આપવામાં આવશે અથવા તેના નાણાં ચૂકવવામાં આવશે. પાણીના બદલામાં વીજળી કે નાણાકીય વળતર ચૂકવવાની ચોક્કસ ફોર્મ્યુલા ત્રણેય રાજ્યોના મુખ્ય સચિવો તૈયાર કરશે.
બેઠકમાં 'ડેમ સેફ્ટી એક્ટ'ના અમલીકરણ, ડેમની સુરક્ષા વધુ મજબૂત બનાવવા, નદીઓની સફાઈ અને જળસંરક્ષણને લગતા પ્રોજેક્ટ્સ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદોએ પોતાના વિસ્તારોને લગતા પ્રશ્નો અને સૂચનો રજૂ કર્યા હતા, જેના જવાબમાં સંબંધિત અધિકારીઓએ જરૂરી સ્પષ્ટતા કરી હતી.
મધ્યપ્રદેશે છેલ્લા 10 વર્ષથી બાકી રહેલા મેન્ટેનન્સ અને અન્ય ખર્ચની રકમ ચૂકવી દીધી છે. હવે દર વર્ષે ગુજરાતને મેન્ટેનન્સની રકમ સમયસર મળી રહે તેવી વ્યવસ્થા અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. હાલ ચારેય રાજ્યો વચ્ચે પાણી અને વીજળીના મુદ્દે કોઈ વિવાદ બાકી રહ્યો નથી.
બેઠકમાં ગુજરાતના સ્થાનિક સાંસદ મનસુખ વસાવા, મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જસુભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત SSNNLના મુકેશ પુરી અને WRD સેક્રેટરી પી.સી. વ્યાસ સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા.
આ નાણાકીય સમાધાનમાં મધ્યપ્રદેશમાં સરદાર સરોવર યોજનાને કારણે ડૂબાણમાં ગયેલી જમીનોના વળતરનો વિવાદ પણ મહત્ત્વનો રહ્યો છે. મધ્યપ્રદેશે પોતાની જમીનોના વળતર પેટે ગુજરાત પાસેથી ₹7,669.20 કરોડ વસૂલવાનો દાવો કર્યો હતો, જેને ગુજરાતે આર્બિટ્રેશન સમક્ષ પડકાર્યો હતો. જાણકારોના જણાવ્યા પ્રમાણે, નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલના 1979ના ચુકાદામાં યોજનાને કારણે ડૂબાણમાં જતી જમીનોના ભાવની ગણતરી કેવી રીતે કરવી તે અંગેની જોગવાઈ છે.
એકતાનગર ખાતે યોજાયેલી આ બેઠકથી આંતરરાજ્ય જળવ્યવસ્થાપન, ડેમની સુરક્ષા અને જળસંબંધિત પ્રશ્નોના નિરાકરણની દિશામાં મોટો વેગ મળ્યો છે. સરદાર સરોવર યોજનાને લગતા પ્રશ્નોના ઉકેલ સાથે ગુજરાતની આગામી પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લેવાયેલા નિર્ણયો સમગ્ર રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.