સત્ય. સાહસ. સંકલ્પ.

નંદીગ્રામ પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, રાહુલ અને ખડગેનો ભાજપ પર આકરોપ

નંદીગ્રામ પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ, રાહુલ અને ખડગેનો ભાજપ પર આકરોપ

પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી પહેલાં મોટો રાજકીય વિવાદ ઊભો થયો છે. મમતા બેનરજીએ કોંગ્રેસને ટેકો જાહેર કર્યાની થોડી જ મિનિટોમાં પોલીસે કોંગ્રેસના ઉમેદવારની 2007ના એક જૂના કેસમાં ધરપકડ કરી હતી. આ ઘટનાથી કોંગ્રેસ હાઈકમાન્ડ સક્રિય થઈ ગયું છે અને ભાજપ તથા ચૂંટણી પંચ સામે મોરચો ખોલવાની તૈયારી કરી છે.

કોંગ્રેસે દિલ્હીથી પક્ષના પ્રભારીને તાત્કાલિક કોલકાતા મોકલ્યા છે. તેઓ મોડી રાત્રે પહોંચ્યા બાદ સ્થાનિક સ્તરે કાનૂની અને રાજકીય મોરચો સંભાળશે. પાર્ટીએ જણાવ્યું કે સરકારી તંત્ર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે આક્રમક વલણ અપનાવવામાં આવશે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ ધરપકડને શાસક પક્ષનો રાજકીય બદલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે પેટાચૂંટણીના ઉમેદવારની ધરપકડ સામાન્ય સંજોગ નથી, પરંતુ લોકશાહીની હત્યા સમાન છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીમાં વિશ્વાસ નથી અને તે વોટ તથા સરકાર ચોરી કરીને સત્તામાં ટકી રહેવા માગે છે. તેમણે ઉમેર્યું કે હરીફાઈ ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પણ કોંગ્રેસ દબાણ સામે ઝૂકશે નહીં.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ આ કાર્યવાહીને મત ચોરીનો પ્રયાસ ગણાવીને આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે પેટાચૂંટણી જીતવા માટે સરકારી એજન્સીઓનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. દેશને લોકશાહીની જનની કહેવામાં આવે છે, પરંતુ બંગાળમાં લોકશાહીનું ગળું ઘોંટાઈ રહ્યું છે. તેમણે જણાવ્યું કે INDIA ગઠબંધન આ દમન સામે એક થઈને અવાજ ઉઠાવશે.

નંદીગ્રામમાં ટીએમસીના મૂળ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધા બાદ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીએ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો હતો, જેથી આ બેઠક પર ભાજપ સામે સીધો મુકાબલો નક્કી થઈ ગયો હતો. આ સમીકરણ બદલાતાની સાથે જ પોલીસે 2007ના જૂના કેસને આગળ ધરીને ધરપકડ કરી હતી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે આને એકપક્ષીય શાસન સ્થાપવાનું ષડયંત્ર ગણાવ્યું છે, જ્યારે ભાજપે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા છે.