પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાની નંદીગ્રામ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હસીરાની રથે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. તેમણે કોંગ્રેસના મિલન પ્રધાનને 1,22,753 મતોના જંગી અંતરથી હરાવ્યા છે. આ 1967 પછી નંદીગ્રામમાં કોઈ પણ ઉમેદવારની સૌથી મોટી જીત છે.
ચૂંટણી પંચના પરિણામ મુજબ હસીરાની રથને કુલ 1,64,427 મત મળ્યા, જે પડેલા કુલ મતોના 75.94 ટકા છે. બીજા સ્થાને રહેલા કોંગ્રેસના મિલન પ્રધાનને 41,674 મત મળ્યા. અન્ય પક્ષોમાં CPI ત્રીજા, AISF ચોથા અને ડેમોક્રેટિક ટીએમસી પાંચમા ક્રમે રહ્યા.
આ પહેલાં નંદીગ્રામમાં સૌથી મોટા અંતરથી જીતનો રેકોર્ડ 2016માં શુભેન્દુ અધિકારીના નામે હતો. તે વખતે તેમણે તૃણમૂલ કોંગ્રેસ (TMC) વતી લડતાં 81,230 મતોથી જીત મેળવી હતી. હસીરાની રથે આ જૂનો રેકોર્ડ પણ પાછળ છોડી દીધો છે.
આ પેટા ચૂંટણી યોજવાનું કારણ એ હતું કે વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને 15,000થી વધુ મતોથી હરાવ્યા હતા. ત્યારબાદ તેમણે ભવાનીપુર બેઠક રાખીને નંદીગ્રામ બેઠક છોડી દીધી હતી. આથી અહીં પેટા ચૂંટણી યોજાઈ. TMCએ ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચી લેતાં મમતા બેનર્જીએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું.
વિજેતા હસીરાની રથ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના ભૂતપૂર્વ અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથના માતા છે. ચંદ્રનાથ રથની ગત 6 મેના રોજ ઉત્તર 24 પરગણાના મધ્યમગ્રામમાં હત્યા કરવામાં આવી હતી.