સત્ય. સાહસ. સંકલ્પ.

નાંદેડમાં ભીષણ માર્ગ અકસ્માત: ટ્રક અને ટાટા મેજિક વચ્ચે ટક્કર, નવના મોત

નાંદેડમાં ભીષણ માર્ગ અકસ્માત: ટ્રક અને ટાટા મેજિક વચ્ચે ટક્કર, નવના મોત

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં સાંજે લગભગ 6:30 વાગ્યે એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. નાંદેડ-ભોકર હાઈવે પર વાકડ ગામ નજીક સીતાખંડી વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને સામેથી આવતી 'ટાટા મેજિક' પેસેન્જર વાન વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અહેવાલો અનુસાર, ભોકરથી નાંદેડ તરફ જઈ રહેલી ટ્રકે સામેથી આવતી ટાટા મેજિક વાનને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે વાનનો કુરચો વળી ગયો અને તે રસ્તાની બાજુમાં ફેંકાઈ ગઈ. વાનમાં કુલ 12 મુસાફરો સવાર હતા. અકસ્માત સમયે બંને વાહનો ખૂબ જ ઝડપથી જઈ રહ્યાં હતાં.

ઘટનાસ્થળે જ નવ મુસાફરોના મોત થયા હતા અને મૃતદેહો રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા અને પોલીસ તથા એમ્બ્યુલન્સ સેવાઓને જાણ કરી હતી. ત્રણ ઘાયલોને તાત્કાલિક ભોકર અને નાંદેડની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોની હાલત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.

ટક્કરને કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો, જેમાં ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો. પોલીસ અને બચાવ ટીમોએ લાંબી જહેમત બાદ તેને બહાર કાઢ્યો હતો. વાનમાં મુસાફરી કરનારા તમામ લોકો સ્થાનિક રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત માટે કોનો વાંક હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.