સત્ય. સાહસ. સંકલ્પ.

નાંદેડમાં ભયાનક અકસ્માત: ટ્રકે વાનને ટક્કર મારતાં 9ના મોત, 3 ગંભીર ઘાયલ

નાંદેડમાં ભયાનક અકસ્માત: ટ્રકે વાનને ટક્કર મારતાં 9ના મોત, 3 ગંભીર ઘાયલ

મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. નાંદેડ-ભોકર હાઈવે પર વાકદ ગામ નજીક સીતાખંડી વિસ્તારમાં સાંજે લગભગ 6:30 વાગ્યે ટ્રક અને ટાટા મેજિક પેસેન્જર વાન વચ્ચે સામસામેની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

અહેવાલો અનુસાર, ભોકરથી નાંદેડ તરફ જઈ રહેલા ટ્રકે સામેથી આવી રહેલી વાનને ધડાકાભેર ટક્કર મારી હતી. અકસ્માત સમયે બંને વાહનોની ગતિ ખૂબ વધારે હોવાથી વાનના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને તે ફંગોળાઈને રસ્તાની બાજુમાં ખાબકી હતી. વાનમાં કુલ 12 મુસાફરો સવાર હતા, જે તમામ સ્થાનિક હોવાનું સામે આવ્યું છે. ટક્કર એટલી પ્રચંડ હતી કે 9 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો અને મૃતદેહો રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા.

અકસ્માતનો ભયાનક અવાજ સાંભળીને આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી 3 ઈજાગ્રસ્તોને તાબડતોબ ભોકર અને નાંદેડની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત અત્યંત નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

ટક્કર બાદ ટ્રકનો આગળનો ભાગ પણ કચ્ચરઘાણ વળી ગયો હતો, જેના કારણે ટ્રક ડ્રાઈવર કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. પોલીસ અને બચાવ દળે ભારે જહેમત બાદ તેને કેબિનમાંથી બહાર કાઢ્યો હતો. આ ગોઝારા અકસ્માતમાં કોની ભૂલ હતી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.