દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગુરુવારે સવારે 5:20 વાગ્યે અવસાન થયું. તેમને ગોવા સ્થિત તેમના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો. ડૉ. શેખર સાલકરના જણાવ્યા મુજબ, તેમને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી CPR આપવામાં આવ્યો, પરંતુ તેમને બચાવી શકાયા નહીં. તેમના નિધન બાદ મેડિકો-લીગલ કેસ (MLC) નોંધવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
નાના પાટેકરે પોતાની ફિલ્મી કારકિર્દીમાં હિન્દી ઉપરાંત મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું. 1989ની ફિલ્મ 'પરિન્દા'માં તેમણે અન્નાનું પાત્ર ભજવ્યું, જેના માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યો. 1994ની 'ક્રાંતિવીર' માટે તેમને બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો, અને 1996ની 'અગ્નિસાક્ષી' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ અવોર્ડ મળ્યો. આ રીતે તેમને કારકિર્દીમાં કુલ 3 નેશનલ ફિલ્મ અવોર્ડ મળ્યા. ભારતીય સિનેમામાં યોગદાન બદલ તેમને 2013માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
2007માં આવેલી ફિલ્મ 'વેલકમ'માં નાના પાટેકરે ગેંગસ્ટર ઉદય શેટ્ટીની ભૂમિકા ભજવી હતી, જે કોમેડી પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું. તેઓ તેની સિક્વલ 'વેલકમ બેક'માં પણ ઉદય શેટ્ટીના પાત્રમાં જોવા મળ્યા.
નાના પાટેકરનું ભારતીય સેના સાથેનું જોડાણ માત્ર ફિલ્મો સુધી મર્યાદિત નહોતું. ફિલ્મ 'પ્રહાર: ધ ફાઇનલ એટેક'ની તૈયારી દરમિયાન તેમણે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કઠોર સૈન્ય તાલીમ લીધી હતી. આ તાલીમ દરમિયાન તેમણે જવાનો સાથે રહીને સૈન્યજીવનને નજીકથી સમજ્યું. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પણ તેઓ જવાનો સાથે રહ્યા હતા. અહેવાલો મુજબ, તેમણે બે અઠવાડિયાથી વધુ સમય સૈનિકો વચ્ચે વિતાવ્યો અને અલગ-અલગ પોસ્ટ પર જઈને તેમનું મનોબળ વધાર્યું. બાદમાં તેમણે જણાવ્યું હતું કે તે દરમિયાન તેઓ ક્વિક રિએક્શન ટીમનો પણ ભાગ રહ્યા હતા. 2016માં તેમણે કહ્યું હતું કે તેમના માટે દેશ સૌથી પહેલા છે અને જવાનો જ દેશના સાચા હીરો છે.
નાના પાટેકરને થિયેટરમાં સ્ટેટ લેવલના ઇનામો મળવા લાગ્યાં ત્યારે તેમણે એડવર્ટાઇઝિંગ એજન્સીની 1200 રૂપિયાની નોકરી છોડીને થિયેટરમાં જ કરિયર બનાવવાનું નક્કી કર્યું. તેમણે 'હમીદા બાઈ ચી કોઠી', 'રોઝ ટેટુ' સહિત અનેક મરાઠી નાટકોમાં કામ કર્યું. શરૂઆતમાં તેમને નાટકના એક શોના માત્ર 50 રૂપિયા મળતા, જેને કારણે તેઓ રિહર્સલ દરમિયાન પત્તાં રમતા અને તેમાંથી પૈસા જીતતા. જાણીતા મરાઠી નાટ્ય કલાકાર અશોક શરાફને માલિશ કરી આપીને તેઓ 5 રૂપિયા મેળવતા. તેમણે છેલ્લે 1996માં નાટકમાં કામ કર્યું. તેમના 'પુરુષ' નાટકના અંદાજે 1807 શો થયા. આ નાટકનો પહેલો શો 1981માં થયો ત્યારે તેમને 200 રૂપિયા અને છેલ્લો શો 1996માં થયો ત્યારે 46 હજાર રૂપિયા મળતા હતા. આ નાટકનાં 16 વર્ષ સુધી અલગ-અલગ શો થયા.
નાના પાટેકર પેઇન્ટિંગ સારું કરતા હોવાથી પોલીસ માટે આરોપીઓના સ્કેચ બનાવવાનું કામ પણ કરતા. મુંબઈ કોમી તોફાનો દરમિયાન તેમણે શકમંદોના સ્કેચ બનાવ્યા હતા.
ફિલ્મમાં પોતાની અલગ ઓળખ ઊભી કરવા તેમણે ખાસ્સો સંઘર્ષ કર્યો. ડેબ્યૂ ફિલ્મ 'ગમન' બાદ તેમને જે પણ ફિલ્મ મળી એ સ્વીકારી, પરંતુ એકપણ ફિલ્મ હિટ ન થઈ.
નાના પાટેકર એક્ટ્રેસ સ્મિતા પાટીલને ત્યારથી ઓળખતા હતા જ્યારે તે ન્યૂઝ વાંચતાં. સ્મિતાએ જ તેમને રવિ ચોપરાની ફિલ્મ 'આજ કી આવાઝ' (1984)માં કામ કરવાનું કહ્યું. જ્યારે તેઓ રવિ ચોપરાને મળવા ગયા ત્યારે તેમને રેપિસ્ટનો રોલ ઑફર થયો, જેથી તેમને ગુસ્સો આવ્યો અને તેમણે ગાળાગાળી કરીને ઑફિસમાંથી નીચે આવી ગયા. ત્યારબાદ સ્મિતા પાટીલ સામે મળ્યાં અને નાનાએ બધી વાત કરી. સ્મિતા પાટીલના કહેવાથી તેમને પછી બીજો રોલ ઑફર થયો. નાનાએ આ ફિલ્મમાં કામ કરવાની શરત રાખી હતી અને પોતાનો રોલ જાતે લખ્યો હતો.