જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મોત્સવ અને તેમની 25 વર્ષની રાષ્ટ્રસેવાને સમર્પિત 'નમો નાદ' ભક્તિમય સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વરસાદ વચ્ચે ઈશાની-હાર્દિક દવે અને રાજ ગઢવીએ રમઝટ બોલાવી હતી. સાંસદ પૂનમ માડમે ગણપતિ વંદના અને દેશભક્તિના ગીતો પર યુવાનો સાથે ઝૂમ્યા હતા.
કાર્યક્રમમાં સાંસદ પૂનમ માડમે ગણપતિ વંદના પર ઝૂમીને ભક્તિના રંગમાં લોકોને જોડ્યા હતા. તેમણે જેન-ઝી (Gen Z) યુવાનો સાથે સેલ્ફી પણ લીધી હતી. આ ઉપરાંત હાર્દિક દવે અને ઈશાની દવેએ પોતાની પ્રસ્તુતિથી રંગત જમાવી હતી. હાર્દિક દવેના સૂરે હજારો યુવાનો ઝૂમી ઉઠ્યા હતા, જ્યારે ઈશાની દવેના રોકસ્ટાર પર્ફોર્મન્સે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
સાંસદ પૂનમ માડમે જણાવ્યું કે, 'આજનું યુવાધન આપણી સાંસ્કૃતિક ધરોહરને મજબૂતીથી આગળ વધારશે.' તેમણે કહ્યું કે ભક્તિ હોય કે આપણી સંસ્કૃતિ, યુવાનો વધુ ઉત્સાહિત થઈને અહીં હાજર રહ્યા હતા. તેઓ સતત ગીતો માટે વિનંતી કરતા હતા અને ગાયકો સાથે વાતચીત કરતા હતા. તેમનો ભાવ, તેમનો ડાન્સ, રાસ રમવાની રીત અને ભજનોમાં સતત રમતા રહેવું — આ બધું જોઈને ખ્યાલ આવે છે કે આજનું યુવાધન આપણી સાંસ્કૃતિક ધરોહરને મજબૂતીથી આગળ વધારશે, ભલે તે ધાર્મિક હોય, આધ્યાત્મિક હોય કે આપણી લોક પરંપરા હોય.
ઈશાની દવેએ 'દિવ્ય ભાસ્કર' સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'આજે ખૂબ મજા આવી. વરસાદ આવ્યો છતાં લોકોના ઉત્સાહમાં સહેજ પણ ઘટાડો નહોતો થયો. અમારે હવે ફટાફટ ફરી પાછું અહીં આવવું પડશે. આજના યુવાનો ફરી આપણા ગુજરાતી સંગીત તરફ પાછા વળી રહ્યા છે. આપણું સંગીત અને સાહિત્ય એવી રીતે રજૂ થઈ રહ્યું છે કે નવી પેઢી તેને સમજી શકે અને કનેક્ટ થઈ શકે. લોકો આ નવી પદ્ધતિને ખૂબ પ્રેમથી અપનાવી રહ્યા છે.'
ભજન અને ગીતોના પ્રતિસાદ અંગે તેમણે જણાવ્યું કે, 'જાગો જાગો', 'ઓમ નમઃ શિવાય', 'નગરમાં જોગી આયા' જેવા ગીતો, હેલો અને ડાકલા પર લોકો ખૂબ ઝૂમ્યા. ટૂંક સમયમાં જેટલું પણ પર્ફોર્મ કર્યું, લોકોએ તેને ખૂબ જ પ્રેમથી સ્વીકાર્યું છે. ગુજરાતની સંસ્કૃતિ સાથે જોડાવા અંગેનો સંદેશ આપતા તેમણે કહ્યું કે, 'આપણું ઘર જ છે. ઘરે પાછા આવવાની અપીલ ન કરવાની હોય. સાંજ પડે એટલે ઘરે પાછું આવી જ જવાનું હોય.'
આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે જામનગરમાં યોજાયેલી ભજન સંધ્યામાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા કૃષ્ણભક્તિમાં લીન થયા હતા. તેમણે જેન-ઝી સાથે ભજન સાથે નૃત્ય કરીને પોતાની કૃષ્ણભક્તિ વ્યક્ત કરી હતી. યુવાનો સહિત રિવાબા જાડેજા પણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા અને ઝૂમી ઉઠ્યા હતા. ડી.કે.વી. કોલેજ ખાતે 'આશીર્વાદનો દીવડો' નામનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો.