ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ (ટ્રેન નંબર 94802)માં 16 નવેમ્બર 2026ના રોજ ટેકનિકલ ખામી સર્જાતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગાંધીધામથી ધ્રાંગધ્રા જઈ રહેલી આ ટ્રેન ધ્રાંગધ્રા સ્ટેશને ઊભી રહી ત્યારે તેના C6, C7 અને C8 કોચના ઓટોમેટિક દરવાજા ખૂલ્યા ન હતા.
દરવાજા ન ખૂલતાં ગભરાયેલા મુસાફરોએ ટ્રેન રોકવા અને મદદ મેળવવા માટે ત્રણ વખત ઇમરજન્સી બટન દબાવ્યું હતું. જોકે, રેલવે સ્ટાફ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને ટ્રેન આગળ વધી ગઈ હતી. આશ્ચર્યજનક બાબત એ હતી કે ટ્રેન જ્યારે વિરમગામ સ્ટેશને પહોંચી ત્યારે પણ C6 કોચનો દરવાજો ખૂલ્યો ન હતો, જેથી મુસાફરોએ અન્ય કોચમાં જઈને બહાર નીકળવું પડ્યું હતું.
આ ઘટના અંગે સુરેન્દ્રનગરના મુસાફર રાજીવ ગોરે જણાવ્યું હતું કે, "હું અને મારા પરિવારના 4 સભ્યો ગાંધીધામથી ધ્રાંગધ્રા જવા માટે નીકળ્યા હતા, જેનું કુલ 174 કિમીનું ભાડું રૂ. 225 ચૂકવ્યું હતું. ટ્રેનમાં સુરેન્દ્રનગરના 4 અને ધ્રાંગધ્રાના 10 સહિત કુલ 15 મુસાફર અટવાયા હતા. વિરમગામ ઉતર્યા બાદ અમે રેલવે વિભાગને જાણ કરી હતી, જ્યાં સ્ટાફના આલોકભાઈએ ચાવી વડે મેન્યુઅલી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, તેમ છતાં દરવાજો ખૂલ્યો ન હતો."
મુસાફરોએ આક્ષેપ કર્યો હતો કે વિરમગામ રેલવેમથકે ફરિયાદ નોંધાવવા છતાં શરૂઆતમાં રેલવે તરફથી યોગ્ય જવાબ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી ધ્રાંગધ્રાના કેટલાક મુસાફરો પોતાની રીતે ત્યાંથી રવાના થઈ ગયા હતા.
સમગ્ર મામલે વિરમગામ રેલવે સ્ટેશનના એસ.એસ. ઓફિસર મહેન્દ્ર મીણાએ જણાવ્યું હતું કે, "ધ્રાંગધ્રા સ્ટેશને દરવાજા ન ખૂલતા કેટલાક મુસાફરો અટવાઈ ગયા હતા અને તેમને વિરમગામ ઉતરવું પડ્યું હતું. વિરમગામથી ટ્રેન ઉપડી ગયા બાદ મુસાફરો મારી પાસે ફરિયાદ લઈને આવ્યા હતા. આ ગંભીર બાબતે ઉચ્ચ કક્ષાએ ડિવિઝનમાં જાણ કરી દેવામાં આવી છે. તેમજ જે મુસાફરો વિરમગામ ઉતરી ગયા હતા, તેમને ઇન્ટરસિટી ટ્રેન મારફતે સુરેન્દ્રનગર પરત મોકલી આપવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી."
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ બની છે. ડિસેમ્બર 2023માં રાજકોટના બિલેશ્વર નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં C-4 અને C-5 કોચની બે બારીના કાચ તૂટી ગયા હતા. તે સમયે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ તે જ ટ્રેનમાં અમદાવાદથી રાજકોટ જઈ રહ્યા હતા. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં સાબરમતીથી વેરાવળ જતી વંદે ભારત ટ્રેન પર લાઠી અને ખીજડીયા વચ્ચે અજાણ્યા ઈસમોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં ટ્રેનના આગળના ભાગનો કાચ તૂટી ગયો હતો, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી.