સત્ય. સાહસ. સંકલ્પ.

નમન ધીરે થિન્કિંગ વાંચીને લીધી વિકેટ, ડેબ્યૂમાં સિક્સર પછી જ ઝડપ્યું આઉટ

નમન ધીરે થિન્કિંગ વાંચીને લીધી વિકેટ, ડેબ્યૂમાં સિક્સર પછી જ ઝડપ્યું આઉટ

ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ ઓલરાઉન્ડર નમન ધીરે વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝમાં બોલિંગથી પોતાની અલગ ઓળખ બનાવી છે. તેમની ખાસિયત ફક્ત ઓફ સ્પિન જ નથી, પરંતુ બેટરની વિચારસરણી વાંચીને તેની સામે યોજના બનાવવાની છે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રણ મેચમાં તેમણે અત્યાર સુધીમાં 5 વિકેટ લીધી છે. તેમના પ્રદર્શનમાં એક રસપ્રદ પેટર્ન પણ જોવા મળી છે. ડેબ્યૂ મેચમાં જે બેટરોએ તેમની બોલિંગ પર છગ્ગો ફટકાર્યો હતો, તેમાંથી કેટલાકને નમને આગલી જ બોલ પર આઉટ કરી દીધા હતા. ઇન્દોરમાં કામિલ પૂરન સામે પણ ત્રણ છગ્ગા ખાધા બાદ તેમણે તેની વિકેટ મેળવી હતી.

26 વર્ષના નમને 6 ઓક્ટોબરે લખનૌના ઇકાના સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. પહેલી જ મેચમાં તેમણે 31 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ સિરીઝની ત્રીજી ટી-20 મેચમાં ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં 39 રન આપીને 2 વિકેટ મેળવી હતી. ભારતે આ મેચ 14 રનથી જીતીને પાંચ મેચની સિરીઝમાં 2-1ની સરસાઈ મેળવી લીધી હતી.

નમનની બોલિંગની કહાણી એટલા માટે પણ રસપ્રદ છે, કારણ કે તેઓ પોતાને મુખ્યત્વે બેટર માને છે. તેમનું કહેવું છે કે બેટિંગ કરવાથી તેમને બોલિંગ દરમિયાન સામેવાળા ખેલાડીની ટેકનિક સમજવામાં મદદ મળે છે. બેટરનું સ્ટાન્સ, બૅકલિફ્ટ, ગાર્ડ અને મનગમતો શૉટ જોઈને તેઓ અંદાજ લગાવવાનો પ્રયાસ કરે છે કે આગામી બૉલ પર તે શું કરવા માગશે.

તેમના પ્રથમ ટી-20માં નમને વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ્સ દરમિયાન કેપ્ટન શાઈ હોપ, રોમારિયો શેફર્ડ અને મેથ્યુ ફોર્ડની વિકેટ લીધી. આ મેચમાં તેમના પ્રદર્શનની ખાસ વાત એ રહી કે છગ્ગો ખાધા બાદ પણ તેમણે પોતાની રણનીતિ પર વિશ્વાસ જાળવી રાખ્યો અને જવાબમાં વિકેટ મેળવી.

પૂર્વ ભારતીય બેટર ચેતેશ્વર પૂજારાએ પણ નમનની આ ખાસિયત પર ધ્યાન દોર્યું. તેમણે જણાવ્યું કે નમન લાઇન, લેન્થ અને ગતિમાં ફેરફાર કરીને બેટરને ચોંકાવવાનો પ્રયાસ કરે છે.

ઇન્દોરમાં નમનની વ્યૂહરચાનું સૌથી સારું ઉદાહરણ કામિલ પૂરનની વિકેટ રહી. વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સની 11મી ઓવરમાં પૂરણે તેમના બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકાર્યા. તેમ છતાં નમને પોતાની યોજના છોડી નહીં.

નમને મેચ બાદ જણાવ્યું કે પૂરણ દરેક બોલને લેગ સાઇડમાં રમવા માંગતા હતા અને હાથ ખોલીને શોટ રમવા માટે જગ્યા શોધી રહ્યા હતા. નમનનો હેતુ તેમને આવું કરતા રોકવાનો હતો. તેમણે સ્વીકાર્યું કે શરૂઆતના બે બોલમાં તેમની ભૂલ થઈ હતી, પરંતુ તેમને એ પણ ખબર હતી કે આ તેમની ત્રીજી ઓવર હતી, બેટર સેટ થઈ ચૂક્યો હતો અને વધતા રન રેટને કારણે તે મોટો શોટ રમવાનું જોખમ લેશે.

નમને પૂરણને જગ્યા આપવાને બદલે તેમને બાંધીને રાખવાનો પ્રયાસ કર્યો. આખરે પૂરણે સ્ક્વેર લેગની દિશામાં શોટ રમ્યો અને અર્શદીપ સિંહે કેચ પકડી લીધો. પૂરણ 27 બોલમાં 42 રન બનાવીને આઉટ થયા. તેમની ઇનિંગ્સમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગા હતા.

નમને કહ્યું કે ત્રણ છગ્ગા ખાધા બાદ વિકેટ લેવાનો તેમનો ઇરાદો નહોતો. તેઓ શરૂઆતથી જ પૂરણને તેમના મનપસંદ શોટ રમવાથી રોકવા માંગતા હતા. તેમના અનુસાર, બેટરની પસંદગી અને તેની ટેકનિક સાથે જોડાયેલા નાના સંકેતો બોલિંગની યોજના બનાવવામાં મદદ કરે છે.

ત્રીજી ટી-20માં નમને શિમરોન હેટમાયરને પણ આઉટ કર્યો. હેટમાયર 26 બોલમાં 43 રન બનાવીને ઝડપથી રન કરી રહ્યા હતા. નમનની બોલ પર તે શોટ રમવામાં નિષ્ફળ રહ્યા અને બોલ્ડ થઈ ગયા.

આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 223 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ 7 વિકેટે 209 રન જ બનાવી શકી. અર્શદીપ સિંહે 3 વિકેટ લીધી, જ્યારે નમનના ખાતામાં 2 વિકેટ આવી.

નમન પોતાને બેટિંગ ઓલરાઉન્ડર માને છે. ભારતીય ટીમમાં તેમની પ્રાથમિક જવાબદારી બેટિંગ છે, જ્યારે જરૂર પડે ત્યારે બોલથી બે કે ત્રણ ઓવર કડક રીતે નાખવાનું તેમનું લક્ષ્ય રહે છે.

ઇન્દોરમાં તેમને બેટિંગ કરવાની તક મળી, પરંતુ તેઓ તેનો સંપૂર્ણ લાભ ઉઠાવી શક્યા નહીં. તેમણે 5 બોલમાં 10 રન બનાવ્યા અને ગુડાકેશ મોતીની બોલિંગ પર લોંગ-ઑફમાં કેચ આઉટ થયા.

તેમણે એ પણ જણાવ્યું કે IPLમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમને કારણે તેમને બોલિંગની તકો ઓછી મળી. તેમ છતાં બોલિંગ હંમેશાં તેમની રમતનો હિસ્સો રહી છે.