અમદાવાદ જિલ્લાના નળસરોવરમાં બોટમેનની તાલીમ દરમિયાન એક 21 વર્ષીય યુવક પાણીમાં ડૂબી ગયો હતો. યુવકની ઓળખ મુબારક પરમાણી તરીકે થઈ છે. ઘટના બાદ તેને તાત્કાલિક પાણીમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે કુમારખાન હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી અનુસાર, બોટમેનની પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારે 3 મિનિટમાં 50 મીટર અંતર કાપીને પાછા ફરવાનું હોય છે. આ પરીક્ષાની તાલીમ દરમિયાન જ આ યુવક ડૂબ્યો હતો. જોકે, તે તરતા તરતા ડૂબ્યો કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના ઘટી, તે હાલ તપાસનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે, નળસરોવરમાં અગાઉ બનેલા હરણી બોટકાંડ બાદ બોટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી અહીં સ્થાનિક બોટોનું સંચાલન બંધ હતું. હવે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા પ્રમાણિત કરાયેલી 100 નવી યાંત્રિક બોટો અને 5 રેસ્ક્યૂ બોટો દિવાળી સુધીમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. હાલ બોટમેનને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્ય 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ દરમિયાન બોટમેનની તાલીમ ચાલી રહી હતી અને આ ઘટના સામે આવતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.