વડોદરાના હરણી તળાવમાં થયેલી દુર્ઘટના બાદ નળ સરોવરમાં છેલ્લા બે વર્ષથી બોટિંગ બંધ હતી. હવે રાજ્ય સરકારે નિયમોમાં ફેરફાર કરીને આગામી શિયાળાની સિઝનમાં ફરી બોટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. વન વિભાગ દ્વારા પ્રાઈવેટ એજન્સી મારફતે બોટિંગનું સંચાલન કરાશે અને ઓક્ટોબરના અંત કે નવેમ્બરની શરૂઆતમાં સત્તાવાર જાહેરાત કરાશે.
બોટિંગ બંધ થવાને કારણે નળ સરોવરના 350થી વધુ સ્થાનિક નાવિકો બેરોજગાર થઈ ગયા હતા. હવે વન વિભાગ સ્થાનિક નાવિકોને લાઈસન્સ આપીને આ પ્રવૃત્તિમાં જોડશે, જેથી તેમને રોજીરોટી મળી શકે. જો કે, હાલ બંધ પડેલી આશરે 400 જૂની હોડીઓ બિનઉપયોગી થઈ જવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
અગાઉ નળ સરોવર આવતા હજારો પ્રવાસીઓ પાસેથી બોટિંગના મનસ્વી ભાડાં, પાંચથી દસ હજાર રૂપિયા સુધી વસૂલવામાં આવતા હતા. નવી વ્યવસ્થામાં વન વિભાગ દ્વારા બોટિંગના ચોક્કસ દર નક્કી કરાશે, જેથી પ્રવાસીઓને ગેરવસૂલીમાંથી મુક્તિ મળશે. સાથે જ પક્ષીઓને ખલેલ ન પહોંચે તે માટે ખાસ બોટ લાવવા પર ભાર મૂકાઈ રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, નળ સરોવરના કિનારાથી ધરાબલા બેટ સુધીનો સંપૂર્ણ રૂટ સુરક્ષિત છે, છતાં બે વર્ષથી બોટિંગ બંધ રહેતાં સ્થાનિક અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે. વન વિભાગની સત્તાવાર જાહેરાત બાદ નવી વ્યવસ્થાનું ચિત્ર સ્પષ્ટ થશે.