મહારાષ્ટ્રના નાલાસોપારા-વસઈ લિંક રોડ પર આવેલી ઇમ્પીરિયલ બિલ્ડિંગના 14મા માળે મધ્યરાત્રે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ધુમાડાને કારણે ગૂંગળામણ થવાથી બે મહિલાઓના મોત નીપજ્યા છે. મૃતકોની ઓળખ ફાલ્ગુની શાહ (50 વર્ષ) અને અશ્વિની પારકર (50 વર્ષ) તરીકે થઈ છે. અન્ય છ લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ, બંને મહિલાઓના મોત આગના કારણે ફેલાયેલા ભારે ધુમાડાથી શ્વાસ રુંધાવવાને કારણે થયા હોવાની પ્રબળ આશંકા છે. જોકે, મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
આગના પ્રકોપથી બચવા માટે બિલ્ડિંગમાં રહેલા ચાર લોકોએ બહારની બાજુએ બનેલી એક નાની જગ્યાનો આશરો લીધો હતો અને ત્યાં જ ફસાઈ ગયા હતા. તેઓ આશરે 40થી 45 મિનિટ સુધી મદદની રાહ જોતા રહ્યા, કારણ કે ત્યાંથી સુરક્ષિત બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો.
ઘટનાની જાણ થતાં જ વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ મોટી ક્રેનની મદદથી ભારે જહેમત ઉઠાવીને આ ચારેય લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘટનાસ્થળે પોલીસ પણ હાજર રહી હતી અને આચોલે પોલીસ દ્વારા સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. પૂર્વ મેયર રૂપેશ જાધવ પણ ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
હાલ ઇમ્પીરિયલ બિલ્ડિંગમાં આગ કયા કારણોસર લાગી હતી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી તેમજ સંપત્તિને કેટલું નુકસાન થયું છે તેની વિગતો પણ હજુ સામે આવી નથી. પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.