સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદનું નળ સરોવર પ્રવાસીઓ માટે ખૂલ્યું: ₹26 કરોડના વિકાસ સાથે ઓનલાઈન બુકિંગ શરૂ

અમદાવાદનું નળ સરોવર પ્રવાસીઓ માટે ખૂલ્યું: ₹26 કરોડના વિકાસ સાથે ઓનલાઈન બુકિંગ શરૂ

અમદાવાદ નજીક આવેલું નળ સરોવર પક્ષી અભયારણ્ય 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે સત્તાવાર રીતે ખૂલી ગયું છે. ચોમાસા દરમિયાન સંરક્ષણના પગલા તરીકે સરોવર જૂનથી બંધ હતું. છેલ્લા એક અઠવાડિયાથી પ્રવાસીઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી, પણ હવે તે સંપૂર્ણપણે અધિકૃત રીતે ખૂલ્યું છે.

આ વખતે પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ મળે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગે આ વર્ષે અંદાજે ₹26 કરોડના ખર્ચે મોટા પાયે વિકાસ કાર્યો કર્યાં છે. અહીં નવો વોચ ટાવર, આકર્ષક એન્ટ્રી ગેટ, આધુનિક ફૂડ કોર્ટ અને મોટું પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યાં છે.

વડોદરાના હરણી તળાવની દુર્ઘટના બાદ પ્રવાસીઓની સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. છેલ્લા બે વર્ષથી અહીં સ્થાનિક બોટનું સંચાલન બંધ હતું. હવે વન વિભાગ અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા પ્રમાણિત 100 નવી યાંત્રિક બોટ અને 5 રેસ્ક્યૂ બોટ દિવાળી સુધીમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. હાલ બોટમેનને ખાસ તાલીમ આપવામાં આવી રહી છે; તાલીમ પૂરી થતાં જ પાસ થયેલા બોટમેનને બોટ ચલાવવાની મંજૂરી મળશે.

પ્રવાસીઓને સ્થાનિક નાવિકોના મનસ્વી ભાડામાંથી રાહત મળે તે માટે વન વિભાગે લાયસન્સ પદ્ધતિ અને સત્તાવાર ભાડાં નક્કી કર્યાં છે.

નળ સરોવર સવારે 6:00 થી સાંજે 5:30 સુધી ખૂલ્લું રહે છે. દેશી અને વિદેશી યાયાવર પક્ષીઓ જોવા માટેનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી ગણાય છે.

વન વિભાગના સત્તાવાર પોર્ટલ 'ફોરેસ્ટ ઇકો ટુરિઝમ ગુજરાત' પર નળ સરોવર માટેની પરમિટ બુકિંગ લિંક સક્રિય થઈ ગઈ છે. પ્રવાસીઓ આ પગલાં અનુસરીને ઓનલાઈન એન્ટ્રી પરમિટ બુક કરાવી શકે છે:

1. ગુજરાત વન વિભાગની સત્તાવાર વેબસાઇટ 'ફોરેસ્ટ ઇકો ટુરિઝમ ગુજરાત' પર જાઓ.
2. હોમ પેજ પરથી 'નળ સરોવર' સાઇટ પસંદ કરો.
3. મેનુમાં આપેલા 'પરમિટ બુકિંગ' વિકલ્પ પર ક્લિક કરો.
4. મુલાકાતની તારીખ, પ્રવાસીઓની સંખ્યા અને વાહનની વિગતો ભરીને ઓનલાઈન પેમેન્ટ કરો.
5. સફળ ટ્રાન્ઝેક્શન બાદ તમારી ઈ-પરમિટ ડાઉનલોડ થશે, જે એન્ટ્રી ગેટ પર બતાવવાની રહેશે.

જો ટેકનિકલ ખામીના કારણે પેમેન્ટ કપાયા પછી પણ પરમિટ ન બને, તો વન વિભાગના નિયમ મુજબ 15-20 દિવસમાં રિફંડ મળી જાય છે. આવી સ્થિતિમાં વિગતો સત્તાવાર ઈમેઈલ dfonalsarovar@gmail.com પર મોકલી શકાય છે.

વન વિભાગ ઉપરાંત, નળ સરોવરના સ્થાનિક નોંધાયેલા બર્ડ ગાઈડ્સે પણ શિયાળાની સીઝન માટે પક્ષી દર્શન અને ફોટોગ્રાફીના અગાઉથી ખાનગી બુકિંગ સ્લોટ શરૂ કર્યા છે, જેથી પ્રવાસીઓ અગાઉથી આયોજન કરી શકે.