સત્ય. સાહસ. સંકલ્પ.

નળ સરોવરની આસપાસ પ્લાસ્ટિક આપો, રોકડા ₹80 મેળવો: જાપાનના સહયોગથી વન વિભાગની અનોખી પહેલ

નળ સરોવરની આસપાસ પ્લાસ્ટિક આપો, રોકડા ₹80 મેળવો: જાપાનના સહયોગથી વન વિભાગની અનોખી પહેલ

નળ સરોવર, અમદાવાદ: નળ સરોવરની આસપાસના ગામોમાં પ્લાસ્ટિકના કચરાના સંગ્રહ માટે અગાઉ કોઈ વ્યવસ્થા નહોતી. હવે વન વિભાગે જાપાનના સહયોગથી ચાલતા JICA પ્રોજેક્ટ હેઠળ એક નવો પ્રયોગ શરૂ કર્યો છે, જેમાં લોકો પ્લાસ્ટિક આપીને રોકડા ₹80 પ્રતિ કિલો મેળવી શકે છે.

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ જિલ્લાના વીરમગામ તાલુકાના કાયલા ગામે પ્લાસ્ટિક વેસ્ટ કલેક્શન સેન્ટર બનાવાયું છે. જેમાં શેડ, પ્રોસેસિંગ યુનિટ, કમ્પાઉન્ડ વોલ, સિક્યોરિટી કેબિન, પાણી અને વીજળીની સુવિધા, પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ મશીન, સુરક્ષા સાધનો અને વેસ્ટ કલેક્શન બિન જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

આ પ્રોજેક્ટ અમદાવાદ જિલ્લાના વેકરિયા, કાયલા, શાહપુર, ધારજી અને મેણી તથા સુરેન્દ્રનગર જિલ્લાના નાની કઠેચી અને રાણાગઢ સહિત નળ સરોવરની આસપાસના ગામોને આવરી લેશે.

વન વિભાગે દરેક ગામમાં 300 મોટા ડસ્ટબીન અને ઘરે-ઘરે 1200 જેટલા નાના ડસ્ટબીન આપ્યા છે, જેમાં સ્થાનિક લોકો પ્લાસ્ટિકનો કચરો નાખે છે. આ કચરો એકઠો કરવાની બે રીત છે: એક, ગામલોકો જાતે આપી જાય, અને બીજી, વન વિભાગ વાહન લઈને એકઠો કરે. આ કચરાને પ્રોસેસિંગ યુનિટ સુધી લઈ જવામાં આવે છે, જ્યાં તેને અલગ કરીને આગળ મોકલાય છે.

આ પ્રયોગ હજી પ્રાથમિક તબક્કામાં છે. સરકાર એક કિલો પ્લાસ્ટિકના ₹80 ચૂકવશે. અત્યાર સુધીમાં આ યોજના અંતર્ગત 900 કિલો પ્લાસ્ટિક એકઠું થયું છે, જેના માટે ₹72,000 ચૂકવવાના થશે. આ રીતે ગામના સ્તરે એક તરફ આજીવિકાની તકો ઊભી કરવામાં આવી છે અને બીજી તરફ ઘન કચરાના નિકાલનો પ્રયાસ કરાયો છે.

પ્લાસ્ટિક એકત્રિત કરનારા સ્થાનિક સહાય જૂથોને આ કામ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમને તાલીમ આપવાની સાથે જરૂરી માળખાકીય સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે.

આ અંગે વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન ડૉ. જયપાલસિંહે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ એક મુખ્ય કલેક્શન સેન્ટર બનાવાયું છે. તેની સાથે આસપાસનાં તમામ ગામોમાંથી લોકો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને આ કેન્દ્ર સુધી પહોંચાડશે. પ્લાસ્ટિકના રિસાયક્લિંગનું કામ કરતી સંસ્થાઓ સાથે અમે જોડાણ કર્યું છે, જેથી તેઓ અહીંથી પ્લાસ્ટિક લઈ જાય. ત્યારબાદ તેમાંથી PET (સંપૂર્ણ રિસાયકલ થઈ શકે તેવું પ્લાસ્ટિક) બનાવવામાં આવે છે અથવા રસ્તાના નિર્માણમાં તેનો ઉપયોગ કરાય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, JICAનો પ્રોજેક્ટ ઘણો મોટો છે, પરંતુ તેમાં ઘન કચરાના વ્યવસ્થાપનનો આ એક નાનો ભાગ છે. આ પ્રોજેક્ટ હેઠળ આજીવિકા વધારવા માટેના અન્ય કાર્યક્રમો પણ જુદા-જુદા વિસ્તારોમાં જરૂરિયાત મુજબ ચલાવવામાં આવે છે. ક્યાંક લોકો વસ્તુઓનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરે છે, ક્યાંક સંરક્ષણની પ્રવૃત્તિઓમાં સહયોગ આપે છે, તો ક્યાંક અન્ય પ્રવૃત્તિઓમાં જોડાય છે. આ રીતે, જુદા-જુદા વિસ્તારોમાં સહાય જૂથો સાથે સંકલન કરવામાં આવે છે. આ તમામ પ્રયાસો સ્થાનિક જરૂરિયાતો પર આધારિત છે અને તે-તે વિસ્તારની પરિસ્થિતિ અનુસાર હાથ ધરવામાં આવે છે.

ડૉ. જયપાલસિંહે કહ્યું કે, પ્રાથમિક માહિતી એકત્રિત કર્યા પછી ગામના લોકો સાથે બેસીને ચર્ચા કરવામાં આવી હતી. તેમની જરૂરિયાતો જાણી હતી અને તેમની માગના આધારે જ કામ કરાય તે રીતે આ પ્રોજેક્ટનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારે આ વિસ્તારની બહાર આવા પ્રોજેક્ટની કોઈ યોજના બનાવી નથી.

નળ સરોવર અને વેટલેન્ડ અંગે હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી ચાલે છે, જેમાં સેન્ચુરી એરિયામાં પ્લાસ્ટિક ઓછામાં ઓછું આવે તે માટે પગલાં લેવા હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો. તેના પછી વન વિભાગને વિચાર આવ્યો કે આસપાસમાંથી પ્લાસ્ટિક એકત્ર કરીને તેનું પ્રોસેસિંગ કરીએ.

આ અંગે નાયબ વન સંરક્ષક ડૉ. ચંદ્રેશકુમાર શાનદ્રેએ જણાવ્યું કે, નળ સરોવરની વાત કરીએ તો ત્યાં પ્રવાસીઓ અને બીજા જે કોઈ આવે છે, તેઓ પ્લાસ્ટિકનો કચરો છોડી જાય છે, જેને એકત્ર કરવાનો આ પ્રયાસ છે.