સત્ય. સાહસ. સંકલ્પ.

નળ સરોવરમાં 230 નવી બોટ સાથે બોટિંગ ફરી શરૂ, ₹500 નું નિશ્ચિત ભાડું અને સાયકલિંગની મજા

નળ સરોવરમાં 230 નવી બોટ સાથે બોટિંગ ફરી શરૂ, ₹500 નું નિશ્ચિત ભાડું અને સાયકલિંગની મજા

નળ સરોવરમાં છેલ્લા બે વર્ષથી બંધ રહેલી બોટિંગ સેવા હવે ફરી શરૂ થવા જઈ રહી છે. પ્રવાસીઓ માટે આ એક મોટી ખુશીના સમાચાર છે, કારણ કે તેઓ ફરીથી સરોવરમાં બોટની સફર કરીને પક્ષી દર્શનનો આનંદ માણી શકશે.

નળ સરોવરમાં શિયાળામાં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે. ઓક્ટોબર-નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પ્રવાસીઓ પક્ષીઓ જોવા આવે છે. ઉનાળાની શરૂઆતમાં પણ પક્ષીઓ જોવા મળે છે. 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી નળ સરોવર બંધ રહે છે અને 16 ઓક્ટોબરથી ફરી ખૂલે છે.

વડોદરાના હરણીમાં બોટ દુર્ઘટના બાદ ગુજરાત સરકારે બોટિંગ પર કડક નિયમો લાગુ કર્યા છે. 2024માં નવી ગાઇડલાઇન જાહેર થયા પછી હવે નળ સરોવરમાં પણ સલામતી અને ગુણવત્તા સાથે બોટિંગ શરૂ થશે.

અગાઉ બોટમેન પોતાની રીતે બોટ તૈયાર કરાવીને પ્રવાસીઓ પાસેથી ચાર્જ લેતા હતા. વન વિભાગની તેમાં સીધી ભૂમિકા નહોતી. હવે નવી ગાઇડલાઇન મુજબ ચોક્કસ સ્પેસિફિકેશન ધરાવતી બોટ અને તાલીમબદ્ધ બોટમેન હોવા જરૂરી છે.

નાયબ વન સંરક્ષક ડો. ચંદ્રેશકુમાર શાનદ્રેએ જણાવ્યું કે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના સહયોગથી ઘણી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડના સ્પેસિફિકેશન મુજબની 230 બોટ મળવાની છે, જેમાંથી કેટલીક મળી ગઈ છે અને બાકીની ટૂંક સમયમાં આવશે.

બોટ ચલાવવા માટે અગાઉના અનુભવી બોટમેનને પ્રાથમિકતા અપાશે. બોટ મશીનથી નહીં પરંતુ માણસ દ્વારા ચલાવાશે. ગોવાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટસમાંથી ટ્રેનર્સ આવ્યા છે અને બોટમેનની તાલીમ શરૂ થઈ ગઈ છે. અગાઉ 280થી 282 બોટમેન હતા, પરંતુ બે-ત્રણ વર્ષથી બોટિંગ બંધ હોવાથી કેટલાકે બીજો વ્યવસાય પકડ્યો છે. તેમ છતાં વન વિભાગે ઇચ્છુક 360 લોકોના ફોર્મ ભરાવ્યા છે. તેમને 50-50ના બેચમાં એક મહિનાની તાલીમ અપાશે. ક્વોલિફાય થનારને મેરિટના આધારે બોટિંગની મંજૂરી મળશે.

નવી બોટ સ્ટાન્ડર્ડ હશે અને પ્રવાસીઓની સલામતી ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઈ છે. એક બોટમાં વધુમાં વધુ 8 વ્યક્તિ બેસી શકશે. બોટિંગ રૂટમાં ફેરફાર કરાયો નથી, પરંતુ હવે બે જેટી બનાવવામાં આવી છે. એક જેટી કાયલા તરફના એન્ટ્રી ગેટ પાસે છે, જ્યાંથી પ્રવાસીઓ ટિકિટ લઈને બોટમાં બેસશે. બોટ વચ્ચેના બેટ પાસેથી પસાર થઈને બીજી જેટી સુધી જશે, જે ઇન્ટરપ્રિટેશન સેન્ટર પાસે છે. પ્રવાસીઓ ત્યાં ઉતરીને સેન્ટર અને આસપાસની સુવિધાઓ જોઈ શકશે. ત્યારબાદ તેઓ ફરી બોટમાં બેસીને પાછા આવશે.

બોટિંગનું ભાડું ₹500 નિશ્ચિત કરવામાં આવ્યું છે. ઉપરાંત, પ્રવાસીઓ માટે સાયકલિંગની સુવિધા પણ ઉમેરવામાં આવી છે, જેથી તેઓ સરોવરના કિનારે સાયકલ ચલાવીને પ્રકૃતિનો આનંદ માણી શકે.

નળ સરોવર અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને પક્ષી પ્રેમીઓ તથા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. નવી સુવિધાઓ સાથે આ સ્થળ ફરીથી જીવંત બનશે.