સત્ય. સાહસ. સંકલ્પ.

યામી ગૌતમની 'નઈ નવેલી': ડાકણની શંકાથી રામાયણ સુધીની રમૂજી સફર, સમીક્ષા

યામી ગૌતમની 'નઈ નવેલી': ડાકણની શંકાથી રામાયણ સુધીની રમૂજી સફર, સમીક્ષા

ઉત્તરપ્રદેશના મેરઠના એક પરિવારમાં નવી વહુ મોહિની (યામી ગૌતમ ધર) આવે છે. તે પોતાની સમજદારી અને આત્મીયતાથી સૌના દિલ જીતી લે છે. પરંતુ તેનો દેવર બંટૂ (અનુરાગ ઠાકુર) તેની ભલાઈને શંકાની નજરે જોવે છે. તેને લાગે છે કે ભાભીના સીધા-સાદા ચહેરા પાછળ કોઈ ખતરનાક રહસ્ય છે – ક્યાંક તે ડાકણ તો નથી ને?

આ શંકા સાથે શરૂ થતી ફિલ્મ 'નઈ નવેલી' ધીમે ધીમે રહસ્યોની પરતો ખોલતી જાય છે. પતિ રાજા (આદિનાથ એમ. કોઠારે) સાથે જોડાયેલા રહસ્યો બહાર આવે છે. વાર્તા ઘરની ચાર દીવાલોમાંથી નીકળીને રામાયણકાળ સુધી પહોંચે છે. રાવણ, મંદોદરી અને ભગવાન રામના સંદર્ભો સાથે ફિલ્મ ત્રેતા યુગની કથાને આજના સમય સાથે જોડવાનો પ્રયાસ કરે છે. વાર્તામાં કાલ શીલ પથ્થર, રાજાની જન્મનક્ષત્ર સાથે જોડાયેલી માન્યતાઓ અને રાવણના પુનરાગમનની ઇચ્છા રાખતી અંધારી શક્તિઓ પણ છે.

યામી ગૌતમ ધર મોહિનીના પાત્રમાં સંયમ અને રહસ્યનું સુંદર સંતુલન જાળવે છે. તેના ચહેરાની શાંતિ પણ ઘણી વાર પ્રશ્નો ઊભા કરે છે. તે પાત્રને ગંભીરતાથી ભજવે છે, પરંતુ સ્ક્રિપ્ટ તેને પૂરતી તક આપતી નથી. અનુરાગ ઠાકુર ફિલ્મનું કોમેડી એન્જિન છે. બંટૂની શંકા, તેની હરકતો અને ભાભીને લઈને તેની થિયરી ઘણી જગ્યાએ હસાવે છે. લક્ષ્મણ રેખાવાળો સિક્વન્સ ખાસ્સો મજેદાર બને છે. આદિનાથ એમ. કોઠારે ભાવનાત્મક દૃશ્યોમાં ઠીક છે, પરંતુ કેટલીક જગ્યાએ ગુસ્સો અને બૂમો પાડવાની તેની શૈલી પુનરાવર્તિત લાગે છે. સુનીતા રાજવર, મીતા વશિષ્ઠ, સુષ્મિતા મુખર્જી, સોનલ ઝા, આદિત્ય કુલશ્રેષ્ઠ અને પ્રતીક પચૌરી સહિતના સહાયક કલાકારો પરિવારની દુનિયાને વિશ્વસનીય બનાવવામાં મદદ કરે છે.

દિરેક્ટર બાલાજી મોહનની ફિલ્મનો પહેલો ભાગ સારી ગતિ પકડે છે. પારિવારિક ખેંચતાણ, બંટૂનો સંદેહ અને મોહિનીના રહસ્યમય વર્તન વચ્ચે કોમેડી અને સસ્પેન્સનું સારું મિશ્રણ રચાય છે. ફિલ્મ મહિલાઓના આત્મવિશ્વાસ અને ઘરમાં તેમના સન્માનની વાતને પણ વાર્તામાં વણી લે છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે, જ્યારે બીજો ભાગ પૌરાણિક સંદર્ભો અને અલૌકિક શક્તિઓની દુનિયામાં વધુ પડતો ગૂંચવાઈ જાય છે. રાવણ અને રામાયણ સાથે જોડાયેલા વિચારો રસપ્રદ છે, પરંતુ તેમને વર્તમાન કથામાં વણવાના પ્રયત્નમાં પટકથા પોતાની પકડ ઢીલી કરી દે છે. હોરર-કોમેડીનું સંતુલન બગડી જાય છે અને જ્યાં ડર અનુભવાવો જોઈએ, ત્યાં ઘણી વાર માત્ર દૃશ્યનો ઘોંઘાટ સંભળાય છે.

રાજાનું રાક્ષસી રૂપ, લાલ આંખો, અણીદાર દાંત અને લીલી નસો ડર પેદા કરવા માટે છે, પરંતુ કેટલાક દૃશ્યોમાં તેની અસર જરૂર કરતાં વધુ નાટકીય બની જાય છે. ફિલ્મનો કન્સેપ્ટ જેટલો અનોખો છે, તેટલી જ કસોટી તેની સ્ક્રીનપ્લેમાં હોત તો મજા બમણી થઈ શકતી હતી.

સંગીતની વાત કરીએ તો, પ્રકાશ કુમારે આ ફિલ્મથી હિન્દી સિનેમામાં સંગીતકાર તરીકે શરૂઆત કરી છે. તેમનું સંગીત ફિલ્મની રંગીન, અતરંગી દુનિયા સાથે સુસંગત લાગે છે. 'ફટા પટાખા' સૌથી વધુ ધ્યાન ખેંચે છે, જ્યારે બાકીનાં ગીતો વાર્તાથી બહાર નીકળ્યા બાદ લાંબા સમય સુધી યાદ રહેતાં નથી. બેકગ્રાઉન્ડ સ્કોર રહસ્યમય વાતાવરણ ઊભું કરવામાં મદદ કરે છે. જોકે, માત્ર સંગીતના જોરે નબળાં પડતાં દૃશ્યોમાં જીવ લાવી શકાતો નથી.

અંતિમ નિર્ણય: 'નઈ નવેલી'નો વિચાર અનોખો છે અને યામી-અનુરાગની જોડી ઘણા મજેદાર પળો આપે છે. પરંતુ બીજા ભાગમાં પૌરાણિક ગૂંચવણો અને ઢીલી પટકથાના કારણે ફિલ્મ પોતાનો જાદુ ટકાવી શકતી નથી. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5માંથી 3 સ્ટાર આપ્યા છે. ફિલ્મની લંબાઈ 2 કલાક 18 મિનિટ છે.