સત્ય. સાહસ. સંકલ્પ.

નાગપુરમાં 3 મહિનામાં 431 લગ્ન નોંધણી, તલાટી-સરપંચ પર ગેરરીતિના આરોપ

નાગપુરમાં 3 મહિનામાં 431 લગ્ન નોંધણી, તલાટી-સરપંચ પર ગેરરીતિના આરોપ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામમાં માત્ર 700ની વસ્તી અને 170 ઘરો હોવા છતાં ત્રણ મહિનાના ગાળામાં 431 લગ્ન નોંધાયા હોવાનો ખુલાસો RTI હેઠળ થયો છે. આ ઘટના સામે આવતાં ગ્રામ પંચાયતના સરપંચ નરેન્દ્રભાઈ સિંગલ અને તલાટી જગદીશ ચાવડા બંને ગામમાં મળ્યાં નથી.

આ પ્રકરણની શરૂઆત રાજકોટ જિલ્લાના પડધરી પંથકના ઉદયભાઈ વસંતભાઈ અગ્રાવતની પુત્રીના લગ્નની નોંધણી અંગે ઊભી થયેલી શંકાથી થઈ હતી. તેમણે જણાવ્યું કે, “મારી પુત્રી 18 વર્ષ અને બે મહિનાની થતાં ચોથા જ દિવસે ઘરેથી નીકળી ગઈ હતી. અમે પડધરી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બે દિવસ બાદ પોલીસે અમને મેરેજ સર્ટિફિકેટ મોકલી આપ્યું હતું, જેમાં અમારી પુત્રીના લગ્ન કાલાવડ તાલુકાના નાગપુર ગ્રામ પંચાયતમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. અમારું ગામ નાગપુરથી આશરે 60 કિલોમીટર દૂર હોવા છતાં પુત્રીના લગ્ન ત્યાં કેવી રીતે નોંધાયા તે અંગે અમને શંકા જતાં તપાસ શરૂ કરી હતી.”

ઉદયભાઈએ નાગપુર ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી અંગે માહિતી મેળવવા RTI કરી હતી. જેમાં 30-11-2025થી 25-02-2026 સુધીના સમયગાળામાં કુલ 431 લગ્ન નોંધાયાં હોવાનું સામે આવ્યું હતું. વધુમાં આ યાદીની તપાસ કરતાં મોટાભાગનાં યુવક-યુવતીઓની ઉંમર 18થી 22 વર્ષની વચ્ચે હોવાનું અને તેઓ નાગપુર ગામના વતની ન હોવાની વિગતો મળી હતી. આ લગ્નો કરનારા વર-કન્યાઓ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ અને બનાસકાંઠાના વતની હોવાનું સામે આવ્યું છે. આ લગ્નોમાં કાલાવડ તાલુકા ઉપરાંત જામનગર અને રાજકોટ જિલ્લાના લોકો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. RTIના જવાબમાં નાગપુરના તલાટી કમ મંત્રી જગદીશ ચાવડા દ્વારા લગ્ન નોંધણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

નાગપુર ગ્રામ પંચાયતના એક સદસ્યએ આરોપ લગાવ્યો છે કે, એક લગ્ન નોંધણી માટે ₹10 હજાર લેવામાં આવે છે અને આ સમગ્ર વહીવટમાં તલાટી કમ મંત્રી તથા સરપંચની મિલીભગત છે. પ્રકરણ બહાર આવતાં તંત્ર પણ દોડતું થયું છે અને હાલ તલાટી કમ મંત્રી પાસેથી ચાર્જ પરત લઈ બદલી કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

RTI કરનાર ઉદયભાઈ અગ્રાવતે જણાવ્યું, “પુત્રીના લગ્ન નાગપુર ગ્રામ પંચાયતમાં નોંધાયા હોવાની જાણ થયા બાદ અમે એક વર્ષના લગ્ન નોંધણીના રેકોર્ડની માહિતી માગી હતી. તેમાં માત્ર સાડા ત્રણ મહિનામાં 431 લગ્ન નોંધાયાં હોવાનું સામે આવ્યું હતું. આ અંગે કાલાવડ તાલુકા પંચાયતના TDO સમક્ષ અપીલ કરવામાં આવી હતી, પરંતુ તલાટી પાસેથી માત્ર લગ્ન નોંધણીનો ચાર્જ પરત લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી અમે સંતુષ્ટ નથી. અમે વડાપ્રધાન ફરિયાદ નિવારણ વિભાગ, ગાંધીનગર, નાયબ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, જામનગર કલેક્ટર અને રેન્જ IGને પણ રજૂઆત કરી છે અને માગ કરી છે કે આ પ્રકરણમાં જવાબદાર તલાટી સામે સસ્પેન્શન અથવા બરતરફી સહિતની કડક કાર્યવાહી કરવામાં આવે.”

સ્થળ પર મળેલા નાગપુર ગ્રામ પંચાયતના સ્વીપર રમેશભાઈ કાળુભાઈએ જણાવ્યું, “મારું કામ કચેરીનું તાળું ખોલવાનું, સાફસફાઈ કરવાનું, પાણીની બોટલ ભરવાનું અને લાઈટ ચાલુ-બંધ કરવાનું છે. લગ્ન નોંધણી માટે આવતા લોકો વિશે મને કોઈ જાણ નથી. પુત્રીના લગ્નની તપાસ માટે કેટલાક લોકો કચેરીએ આવ્યા હતા. આ લોકો તલાટી કમ મંત્રી ચાવડા સાહેબને મળતા અને તેમની સાથે વાતચીત કરતા હતા. કચેરી બંધ કરવાનો સમય સાંજે પાંચ વાગ્યાનો હોવા છતાં તલાટી કમ મંત્રી બપોરે એકથી દોઢ વાગ્યાની આસપાસ આવતા અને ઘણી વખત પોતાની જાતે જ કચેરી ખોલતા હતા. હાલ મને કચેરી ન ખોલવાની સૂચના આપી હતી અને રેકોર્ડ ખોવાય તો મારી સામે કેસ થઈ શકે તેવી વાત કરી હતી.”

નાગપુર ગ્રામ પંચાયતના સભ્ય રમેશભાઈએ જણાવ્યું કે, સરપંચ અને તલાટી બંને મળેલા છે અને એક લગ્ન નોંધણીના ₹10 હજાર લેવાતા હોવાની વાત તેમણે સાંભળી છે.