સત્ય. સાહસ. સંકલ્પ.

નાગોયામાં રેકોર્ડબ્રેક વરસાદ, 400 ખેલાડીઓ સ્થળાંતરિત, એશિયન ગેમ્સ સમયસર યોજાશે

નાગોયામાં રેકોર્ડબ્રેક વરસાદ, 400 ખેલાડીઓ સ્થળાંતરિત, એશિયન ગેમ્સ સમયસર યોજાશે

જાપાનના નાગોયા શહેરમાં એશિયન ગેમ્સ 2026ના આયોજનના 10 દિવસ પહેલાં રેકોર્ડબ્રેક વરસાદને કારણે શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દૃશ્યોમાં વાહનો પાણીમાં ફસાયેલા અને લોકોને હાલાકી ભોગવતા જોવા મળી રહ્યા છે.

ભારે વરસાદને કારણે શહેરમાં 'લેવલ-5' પૂર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આફતના કારણે એશિયન ગેમ્સમાં ભાગ લેવા પહોંચેલા ફિલિપાઈન્સ સહિત અનેક દેશોના આશરે 400 જેટલા એથ્લિટ્સ અને સપોર્ટ સ્ટાફને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત અને ઊંચા સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓ અસ્થાયી આવાસમાં રોકાયેલા હતા, જેમને હવે સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે.

આટલી મોટી કુદરતી આપત્તિ છતાં નાગોયાના મેયર ઇચિરો હીરોસાવાએ જણાવ્યું છે કે તમામ એથ્લિટ્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. કેટલાક સ્થળોએ વેન્યુની છતમાંથી પાણી ટપકવાની ફરિયાદો આવી છે, પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. મેયરે સ્પષ્ટ કર્યું છે કે એશિયન ગેમ્સ નિર્ધારિત સમયે જ યોજાશે અને તૈયારીઓમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી.

દરમિયાન, ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) દ્વારા ભારતની 503 સભ્યોની ટીમ માટે ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો. ભારતીય ખેલાડીઓમાંથી કેટલાક જાપાન પહોંચી ગયા છે, જ્યારે કેટલાક પોતાની તૈયારીના આખરી તબક્કામાં છે.