નાગાલેન્ડમાં છેલ્લા બે દિવસમાં શંકાસ્પદ ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે. મોકોકચુંગ જિલ્લામાં 8 અને તુએસાંગ જિલ્લામાં 11 લોકોના મોત થયા છે. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોક અને ચિંતાનું મોજું ફેલાવ્યું છે.
રાજ્યમાં 1990થી દારૂબંધી લાગુ છે, તોપણ ગેરકાયદેસર દારૂની હેરાફેરી ચાલુ છે. આ દારૂ ક્યાંથી આવ્યો અને તેની સપ્લાય ચેઈન શું છે તે શોધવા માટે પોલીસે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) રચી છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક વેસુપ્રા કેઝોએ જણાવ્યું કે ટીમ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે દારૂના સેમ્પલ ગુવાહાટી ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 19 લોકોની ધરપકડ કરી છે અને અંદાજે 3,000 દારૂની બોટલો જપ્ત કરી છે.
પ્રશાસને નાગરિકોને અજાણ્યા, વગર લેબલવાળા કે શંકાસ્પધ ગેરકાયદેસર દારૂનું સેવન ન કરવાની કડક સલાહ આપી છે. જો દારૂ પીધા બાદ ચક્કર આવે, આંખે અંધારા આવે, શ્વાસ લેવામાં તકલીફ પડે કે બેભાન થવાનું બને, તો તાત્કાલિક તબીબી સહાય લેવા અપીલ કરવામાં આવી છે.