નાગાલેન્ડની ફિલ્મ 'અંગ'ને 2027ના ઓસ્કર અવોર્ડ્સની 'ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' શ્રેણીમાં સીધી એન્ટ્રી મળી છે. આ વર્ષે ભારત તરફથી ઓસ્કર માટે જતી તે બીજી ફિલ્મ છે. આ પહેલાં મરાઠી ફિલ્મ 'ગોંધલ'ને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી હતી.
'અંગ'એ ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) 2026માં પ્લેટફોર્મ પ્રાઇઝ જીત્યો છે. આ પુરસ્કારને કારણે ફિલ્મને ઓસ્કરમાં સીધી એન્ટ્રી મળી છે. નાગા ફિલ્મમેકર થેજા રિયોની આ ફિલ્મ ધર્મપરિવર્તનથી પોતાની સંસ્કૃતિ બચાવવાનો પ્રયાસ કરતા એક આદિવાસી વ્યક્તિની વાર્તા છે. આ વર્ષે TIFFમાં પસંદગી પામેલી તે એકમાત્ર ભારતીય ફિલ્મ હતી.
ફિલ્મની વાર્તા 1960ના દાયકાના નાગાલેન્ડની છે, જ્યાં એક અમેરિકન મિશનરીના આગમન બાદ ગામની પરિસ્થિતિ બદલાવા લાગે છે. મોટા ભાગના ગ્રામજનો ધર્મ બદલી લે છે અને પોતાની જૂની પરંપરાઓ છોડી દે છે, જેના કારણે ગામ ખાલી જેવું થઈ જાય છે. આદિવાસી મુખિયા અંગ્બા પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવા માંગે છે, જ્યારે તેનો પુત્ર આ નવી જીવનશૈલી અને ધર્મ તરફ આકર્ષિત થવા લાગે છે.
'અંગ'ને TIFFની પ્લેટફોર્મ જ્યુરીએ તેની અલગ વિચારસરણી, ઉત્તમ નિર્માણ અને વાર્તા માટે બિરદાવી છે. આ પુરસ્કાર હેઠળ નિર્માતાઓને 20,000 કેનેડિયન ડૉલરનું ઇનામ મળ્યું છે. આ ઇનામ મેળવનારી ફિલ્મને ઓસ્કર માટે સીધી પાત્રતા મળી જાય છે.
આ ફિલ્મમાં મોટાભાગના કલાકારો નાગાલેન્ડના સ્થાનિક અને આદિવાસી સમુદાયમાંથી છે. તેમની સાથે બાફ્ટા એવોર્ડ (બ્રિટિશ એકેડેમી ફિલ્મ પુરસ્કાર) વિજેતા બ્રિટિશ અભિનેતા ડગ્લસ હેનશોલ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. 'અંગ'નું દિગ્દર્શન થેજા રિયોએ કર્યું છે અને આ તેમની 2021માં આવેલી આ જ નામની શોર્ટ ફિલ્મનું જ વિસ્તૃત સ્વરૂપ છે.
મરાઠી ફિલ્મ 'ગોંધલ'ને 99મા એકેડમી અવોર્ડ્સ (ઓસ્કર 2027) માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. મરાઠી લોક પરંપરા પર બનેલી આ થ્રિલર ફિલ્મને ઓસ્કર સમારોહમાં 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ' શ્રેણીમાં મોકલવામાં આવશે. આ વખતે ઓસ્કરની રેસમાં ભારત તરફથી ધુરંધર, બોર્ડર-2, હનુમાન અંશ સહિત 33 ફિલ્મો સામેલ થઈ હતી.