સત્ય. સાહસ. સંકલ્પ.

કેન્સર સામે લડતી નફીસા અલીએ દિલ્હીના પ્રદૂષણ સામે પણ માસ્ક પહેરીને મોર્નિંગ વોક ચાલુ રાખ્યો

કેન્સર સામે લડતી નફીસા અલીએ દિલ્હીના પ્રદૂષણ સામે પણ માસ્ક પહેરીને મોર્નિંગ વોક ચાલુ રાખ્યો

બોલિવૂડ અભિનેત્રી નફીસા અલી સોઢી (69) હાલમાં કેન્સર સામે લડી રહી છે. તેમણે દિવાળી પછીના દિવસે સોશિયલ મીડિયા પર પોતાના સ્વાસ્થ્યની તાજી માહિતી શેર કરી છે. તેમણે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અને ખરાબ હવાની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી છે, પરંતુ સાથે જ શારીરિક કસરત અને ફિટનેસની દિનચર્યા ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

નફીસા અલીએ તેમના અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પાર્કની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. તેમાં તેઓ મોર્નિંગ વોક પછી માસ્ક પહેરેલા દેખાય છે. તેમણે જણાવ્યું કે દિવાળી પછી દિલ્હીમાં પ્રદૂષણ અને એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)નું સ્તર ઘણું ઊંચું ગયું છે. આથી તેમણે પ્રદૂપણથી બચવા માસ્ક પહેર્યું છે. જોકે, ખરાબ હવા હોવા છતાં તેઓ કસરત ચાલુ રાખવા માગે છે.

પોતાની પોસ્ટમાં નફીસાએ લખ્યું, 'મારી વોક પછી હું પાર્કમાં છું. ગઈકાલે દિવાળી હતી. દિલ્હીમાં પ્રદૂષણ અને AQI વધારે હોવાથી મેં માસ્ક પહેર્યું છે, પરંતુ મારે કસરત ચાલુ રાખવી છે.'

તેમના સ્વાસ્થ્ય અપડેટમાં નફીસાએ જણાવ્યું કે તે ટાર્ગેટેડ કીમોથેરાપીના બે રાઉન્ડ પૂર્ણ કરી ચૂક્યા છે. હવે તેઓ MRI સ્કેનની રાહ જોઈ રહ્યા છે. આ સ્કેન દ્વારા જાણવા મળશે કે અત્યાર સુધીની સારવારની તેમના લિવરમાં રહેલા કેન્સર પર કેટલી અસર થઈ છે. તેમણે જણાવ્યું કે સારવારનો આગામી રાઉન્ડ 13 નવેમ્બર 2026ના રોજ થવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઓસ્ટ્રેલિયાના પર્થમાં માતા અને ભાઈ સાથે સમય વિતાવ્યા બાદ ખૂબ સકારાત્મક અનુભવ કરી રહ્યા છે.

નફીસા અલી અગાઉ પણ કેન્સર સામે લાંબી લડત લડી ચૂક્યા છે. નવેમ્બર 2018માં તેમને પેરિટોનિયલ અને ઓવેરિયન કેન્સર હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાં બીમારીની યોગ્ય ઓળખ થઈ શકી ન હતી. પાછળથી થયેલી તપાસમાં તેમને સ્ટેજ 3 કેન્સર હોવાની જાણ થઈ. સારવાર બાદ તેમના સ્વાસ્થ્યમાં સુધારો થયો અને બીમારી થોડા સમય માટે રેમિશનમાં જતી રહી. જોકે, બાદમાં કેન્સર ફરી પાછું આવ્યું અને સ્ટેજ 4 સુધી પહોંચી ગયું.

તાજેતરની તપાસમાં બીમારી વધતી હોવાનું અને લિવરની સપાટી પર કેન્સરના નવા ડિપોઝિટ મળ્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તેમની સારવારમાં ટાર્ગેટેડ થેરાપીનો સમાવેશ કરવામાં આવ્યો. હવે નફીસા પોતાના આગામી MRI સ્કેનના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, ત્યારે તેઓ સતત કસરત કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા પોતાના સ્વાસ્થ્ય વિશેની માહિતી ચાહકો સાથે શેર કરી રહ્યા છે.