સત્ય. સાહસ. સંકલ્પ.

નડિયાદ રેલવે સ્ટેશન પર 3.70 કરોડની સોનાની લૂંટ, વિરમગામ પોલીસે 3 કલાકમાં ચારેય આરોપી ઝડપ્યા

નડિયાદ રેલવે સ્ટેશન પર 3.70 કરોડની સોનાની લૂંટ, વિરમગામ પોલીસે 3 કલાકમાં ચારેય આરોપી ઝડપ્યા

નડિયાદ રેલવે સ્ટેશન પરથી બુલિયન કંપનીના કર્મચારી પાસેથી 3.70 કરોડ રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ થયાની ઘટના બની છે. આ લૂંટમાં સંડોવાયેલા ચારેય આરોપીઓને વિરમગામ પોલીસે માત્ર 3 કલાકમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આ ઓપરેશનમાં લૂંટાયેલો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

કોલકાતાની ગ્રો મોર કંપનીમાં કામ કરતા ભરતભાઈ ચૌધરી હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં 2.70 કિલો સોનાના દાગીના ભરેલી બેગ લઈને આવી રહ્યા હતા. નડિયાદ રેલવે સ્ટેશન પર ઊતરીને તેઓ ફૂટ ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ચાર શખ્સોએ તેમને ધક્કો મારીને દાગીનાથી ભરેલો થેલો ઝૂંટવી લીધો અને ભાગી ગયા. ભરતભાઈએ આરોપીઓનો પીછો કર્યો, પરંતુ આરોપીઓ રેલવે સ્ટેશન પાસે પાર્ક કરેલી ટિયાગો કારમાં બેસીને નાસી ગયા. જતાં પહેલાં ભરતભાઈએ કારનો ફોટો પાડી લીધો હતો.

ઘટનાની જાણ રેલવે પોલીસને કરવામાં આવી. તપાસમાં ખબર પડી કે લૂંટમાં સંડોવાયેલો એક આરોપી સાવન ચૌધરી અગાઉ ગ્રો મોર કંપનીમાં નોકરી કરતો હતો. ભરતભાઈ તેને ઓળખતા હતા. આથી પોલીસને કારના નંબર અને સાવન વિશે ચોક્કસ માહિતી મળી. રેલવે પોલીસે કાર અને સાવનનો નંબર સ્ટેટ કંટ્રોલ રૂમને મોકલી આપ્યો. આરોપીઓ બનાસકાંઠા તરફ જવાની શક્યતાના આધારે નડિયાદથી બનાસકાંઠા સુધીના રૂટ પરની પોલીસને એલર્ટ કરવામાં આવી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી.

પોલીસને માહિતી મળી કે આરોપીઓ સાણંદ, નળસરોવર થઈને વિરમગામ થઈ બનાસકાંઠા જવાના છે. ગ્રામ્ય પોલીસની વિવિધ ટીમોએ બનાસકાંઠા જતા રસ્તે બેરિકેટ મૂકીને બ્લોક કર્યા. વિરમગામ પોલીસે ખોરજ પાસેથી ટિયાગો કાર સાથે જતી એક નંબર પ્લેટ વગરની બલેનો કાર રોકી, જેમાંથી સાવન ચૌધરી મળી આવ્યો. તેની પૂછપરછ કરતાં ખબર પડી કે લૂંટનો મુદ્દામાલ અને અન્ય ત્રણ આરોપીઓ ટિયાગો કારમાં છે.

આ માહિતીના આધારે પીઆઇ એસ.એ. ગઢવી તેમની ટીમ સાથે ટિયાગો કારનો પીછો કર્યો. પોલીસે તેમની ગાડી વડે ટિયાગો કારને ટક્કર મારી. આ પછી પીઆઇ ગઢવીએ ટિયાગો કારના દરવાજા પર લટકી જઈને કાર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોવા છતાં 500 મીટર સુધી દરવાજે લટકી રહ્યા. તેમણે કારનું હેન્ડ બ્રેક ખેંચીને ચાવી કાઢી લીધી. કાર બંધ થતાં બાકીના ત્રણ આરોપીઓ આકાશ પ્રજાપતિ, કિરણ ચૌધરી અને દશરથ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યા.

પૂછપરછમાં ખબર પડી કે સાવન અગાઉ બુલિયન કંપનીમાં કામ કરતો હતો, જેથી તે કંપનીની કામગીરીથી સારી રીતે વાકેફ હતો. સોનું કેટલા વાગ્યે, કઈ જગ્યાએથી અને કેવી રીતે લાવવામાં આવે છે તે તેને ખબર હતી. આથી તેણે તેના મિત્રો સાથે મળીને ચાર મહિના પહેલાં લૂંટનો પ્લાન બનાવ્યો હતો. સાવન હાલમાં દિયોદર ખાતે પાનનો ગલ્લો ચલાવે છે. પકડાયેલા તમામ આરોપીઓની ઉંમર 18 થી 23 વર્ષની છે.

આ સમગ્ર ઓપરેશન 3 કલાક ચાલ્યું હતું. વિરમગામ ASP માનસી મીણાએ સુપરવિઝન કર્યું હતું. ઓપરેશનમાં LCB પીઆઇ આર.એન. કરમટીયા, પીઆઇ એસ.એસ. ગઢવી, પીઆઇ પી.ડી. જાની, PSI આર.જે. ચોટલીયા અને તેમની ટીમ જોડાઈ હતી. પોલીસે આરોપીઓને નડિયાદ રેલવે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.