નડિયાદ રેલવે સ્ટેશનના ફૂટ ઓવર બ્રિજ પર ધોળા દિવસે 2 કિલો 700 ગ્રામ સોનાની લૂંટ થઈ છે. કોલકાતાની જાણીતી 'ગ્રો મોર બુલિયન' કંપનીના કર્મચારી ભરત ચૌધરી ટ્રેન મારફતે નડિયાદ આવ્યા હતા. તેમને મણિનગરની બસ પકડીને સોનું લઈ જવાનું હતું. પણ ફૂટ ઓવર બ્રિજ પર પહેલેથી રેકી કરીને બેઠેલા લૂંટારુઓએ તેમના પર હુમલો કર્યો, જમીન પર પાડી દીધા અને સોનું લૂંટીને કારમાં ફરાર થઈ ગયા.
ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમ સક્રિય થઈ ગઈ. પોલીસે નડિયાદથી અમદાવાદ તરફ આવતા તમામ હાઇવે પર નાકાબંધી ગોઠવી દીધી. બાતમીના આધારે બલેનો અને ટિયાગો કારની ઓળખ મળતાં પોલીસે પીછો શરૂ કર્યો. લૂંટારુઓ વિરમગામના સચાણા તરફ ભાગી રહ્યા હતા. આ દરમિયાન LCBના PI ગઢવીએ જીવના જોખમે ચાલુ ગાડીમાં ઘૂસીને ચારેય આરોપીઓને ઝડપી લીધા. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક પૂછપરછમાં ઘટના પાછળ ચાર મહિનાથી ચાલતું ષડયંત્ર હોવાનું સામે આવ્યું છે. દિયોદરના એક પાન પાર્લર પર બેસીને આ લૂંટની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી. માસ્ટરમાઇન્ડ કંપનીનો જ એક પૂર્વ કર્મચારી નીકળ્યો છે, જે સોનાની હેરાફેરીના રૂટ અને સમયપત્રકથી વાકેફ હતો. તેણે પોતાના સાગરીતો સાથે મળીને આ ગુનાને અંજામ આપ્યો હતો.