સત્ય. સાહસ. સંકલ્પ.

પ્રદૂષણમાં કયો માસ્ક રક્ષણ આપે? N95 vs સર્જિકલ માસ્ક અને બાળકો માટે ધ્યાન રાખવાની બાબતો

પ્રદૂષણમાં કયો માસ્ક રક્ષણ આપે? N95 vs સર્જિકલ માસ્ક અને બાળકો માટે ધ્યાન રાખવાની બાબતો

શિયાળાની શરૂઆત સાથે હવાની ગુણવત્તા બગડવા લાગે છે. વાહનોનો ધુમાડો, બાંધકામની ધૂળ અને પરાળી સળગાવવાથી નીકળતો ધુમાડો હવામાં ઝીણા રજકણોનું પ્રમાણ વધારે છે. આવી હવામાં શ્વાસ લેવાથી આંખમાં બળતરા, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ સમયે માસ્ક પહેરવો ઉપયોગી છે, પણ દરેક માસ્ક પ્રદૂષણથી એકસરખું રક્ષણ આપતું નથી. તેથી PM2.5 શું છે અને કયો માસ્ક પસંદ કરવો તે સમજવું જરૂરી છે.

PM2.5 શું છે? હવામાં રહેલા ધૂળ, ધુમાડા અને અન્ય ઝીણા રજકણોને પાર્ટિક્યુલેટ મેટર (PM) કહેવાય છે. PM10 કરતાં PM2.5 ના રજકણો ઘણા નાના હોય છે. આટલા બારીક હોવાથી તે શ્વાસ મારફતે સીધા ફેફસાંના ઊંડાણ સુધી પહોંચી શકે છે. લાંબા સમય સુધી પ્રદૂષિત હવામાં રહેવાથી ફેફસાં અને હૃદયની ગંભીર બીમારીઓનું જોખમ વધે છે. અસ્થમા કે શ્વાસની અન્ય તકલીફ ધરાવતા લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ.

કયો માસ્ક પસંદ કરવો?

સર્જિકલ માસ્ક: હોસ્પિટલમાં વપરાતા થ્રી-પ્લાય સર્જિકલ માસ્ક મુખ્યત્વે છીંક કે ખાંસીના ટીપાંને રોકવા માટે હોય છે. તે PM2.5 જેવા અતિ સૂક્ષ્મ રજકણો સામે ભરોસાપાત્ર રક્ષણ આપતા નથી, કારણ કે તેની કિનારીઓ ચહેરા સાથે ચુસ્ત રીતે ચોંટતી નથી અને બાજુમાંથી હવા અંદર આવી શકે છે.

N95 માસ્ક: પ્રદૂષિત વાતાવરણમાં યોગ્ય રીતે ફિટ બેસતો N95 માસ્ક સારો વિકલ્પ છે. તે નિર્ધારિત માપદંડ હેઠળ હવામાંના ઓછામાં ઓછા 95 ટકા બારીક રજકણોને ફિલ્ટર કરે છે. જોકે તેનો ફાયદો ત્યારે જ મળે જ્યારે માસ્ક નાક, મોં અને દાઢી પર સંપૂર્ણ ફિટ બેસે અને કિનારીઓમાંથી હવા લીક ન થાય.

N99 અને N100 માસ્ક: આ માસ્કની ફિલ્ટર ક્ષમતા અનુક્રમે ઓછામાં ઓછી 99 ટકા અને 99.97 ટકા હોય છે. પણ વધુ ફિલ્ટર ક્ષમતાનો અર્થ એ નથી કે તે દરેક માટે અનુકૂળ છે. ગાઢ માસ્ક પહેરવાથી કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેથી ફિટિંગ, સરળ શ્વાસોચ્છવાસ અને ઉપયોગની સૂચનાઓ ધ્યાનમાં રાખવી.

માસ્ક કેટલા સમય માટે વાપરવો? દરેક માસ્કની ઉપયોગ મુદત અલગ હોય છે. ડિસ્પોઝેબલ માસ્ક ધોઈને ફરી વાપરવો ન જોઈએ. N95 જેવા ડિસ્પોઝેબલ રેસ્પિરેટર પણ ધોવા માટે બનેલા નથી. ઉત્પાદકની સૂચના મુજબ સમયસર બદલવો. જો માસ્ક ભીનો, ગંદો, ક્ષતિગ્રસ્ત કે ઢીલો થાય અથવા શ્વાસ લેવામાં તકલીફ પડે તો તરત નવો માસ્ક વાપરવો.

બાળકો માટે માસ્ક ખરીદતી વખતે શું ધ્યાન રાખવું? બાળકોના ફેફસાં વિકાસના તબક્કામાં હોવાથી તેમને પ્રદૂષણથી બચાવવા જરૂરી છે. પણ માસ્ક પસંદ કરતી વખતે માત્ર ફિલ્ટરિંગ પૂરતું નથી. માસ્ક બાળકની ઉંમર અને ચહેરાના માપ પ્રમાણે યોગ્ય સાઇઝનો હોવો જોઈએ, જેથી નાક અને દાઢી પાસે ખુલ્લી જગ્યા ન રહે. બાળકો માટે ખાસ ડિઝાઇન કરાયેલા N95 રેસ્પિરેટર મળે છે, પણ ખરીદતાં પહેલાં ગુણવત્તા અને ફિટિંગ ચકાસવી. મોટા લોકોનો માસ્ક બાળકના ચહેરા પર ઢીલો પડે છે, જેથી પ્રદૂષિત હવા સીધી અંદર જાય છે. 2 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને માસ્ક ન પહેરાવવો જોઈએ. નાના બાળકોને વધુ પ્રદૂષણવાળા દિવસોમાં બહાર લઈ જવાનું ટાળવું.

પ્રદૂષણથી બચવા અન્ય ઉપાયો: માસ્ક ઉપરાંત કેટલીક દૈનિક ટેવો પણ રક્ષણ આપે છે. જ્યારે હવાની ગુણવત્તા ખરાબ હોય ત્યારે બહાર કસરત કરવાનું કે લાંબો સમય ખુલ્લા વાતાવરણમાં રહેવાનું ટાળો. ઘરની બારી-બારણાં યોગ્ય સમયે બંધ રાખો અને ઘરમાં ધૂમ્રપાન ન કરો. શક્ય હોય તો બહાર નીકળતાં પહેલાં તમારા વિસ્તારનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ચકાસો.