સત્ય. સાહસ. સંકલ્પ.

મુઝફ્ફરપુરમાં ગેસ પાઇપલાઇન બ્લાસ્ટ: 2ના મોત, 10થી વધુ ઘાયલ

મુઝફ્ફરપુરમાં ગેસ પાઇપલાઇન બ્લાસ્ટ: 2ના મોત, 10થી વધુ ઘાયલ

બિહારના મુઝફ્ફરપુરના ગોબરસાહી-ડુમરી વિસ્તારમાં સોમવારે બપોરે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. રસ્તા પાસે ગટરનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જેસીબી મશીન દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન જેસીબી જમીન નીચેથી પસાર થતી પીએનજી ગેસ પાઇપલાઇન સાથે અથડાઈ ગયું. પાઇપલાઇન તૂટી જતાં ગેસ લીક થવા લાગ્યો અને થોડી વારમાં જ જોરદાર વિસ્ફોટ થયો.

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનોના કાચ તૂટી ગયા અને એક મકાનમાં આગ ફાટી નીકળી. ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 10થી વધુ લોકો દાઝી ગયા છે. ગંભીર રીતે ઘાયલ 32 વર્ષીય વિજય રામને વધુ સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે.

સ્થાનિક રહીશ ચંદન કુમારના બે ચાર માળના મકાનોને ભારે નુકસાન થયું છે. આ ઇમારતોમાં આવેલી સોના-ચાંદીના દાગીના, ફર્નિચર અને ટાઇલ્સની દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. રસ્તા પરથી પસાર થઈ રહેલી એક થાર ગાડી પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી, પરંતુ તેમાં સવાર લોકોએ સમયસર બહાર કૂદીને જીવ બચાવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષાના ભાગરૂપે આખો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. ગેસ કંપનીની ટેકનિકલ ટીમે મુખ્ય વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો. ઘાયલોને મુઝફ્ફરપુર સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જિલ્ટ મેજિસ્ટ્રેટ કુમાર ગૌરવે જણાવ્યું કે આ ઘટના બેદરકારીને કારણે થઈ છે. તેમણે જવાબદારો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે અને તપાસ માટે વિશેષ સમિતિની રચના કરવામાં આવી રહી છે. સિનિયર એસપી કાંતેશ મિશ્રાએ જણાવ્યું કે ઘટના બપોરે અંદાજે 12:15 વાગ્યે બની હતી. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે અને દોષિતો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે.