સત્ય. સાહસ. સંકલ્પ.

મુઝફ્ફરનગરમાં ભીષણ અકસ્માત: કારમાં આગ લાગતાં મહિલા સહિત 6ના મોત

મુઝફ્ફરનગરમાં ભીષણ અકસ્માત: કારમાં આગ લાગતાં મહિલા સહિત 6ના મોત

ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માતમાં મહિલા સહિત છ લોકોના જીવ ગયા. હરિયાણાના જીંદ શહેરથી હરિદ્વાર જઈ રહેલા આ લોકો પાનીપત-ખટીમા નેશનલ હાઈવે પર તિતાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગ્ગાહેડી નજીક થયેલા આ અકસ્માતમાં જીવ ગુમાવ્યા.

પોલીસના જણાવ્યા અનુસાર, વહેલી સવારે લગભગ પાંચ વાગે આ કાર અતિ ઝડપથી આવી રહી હતી. તે પહેલા વીજળીના થાંભલા સાથે અથડાઈ, જેના કારણે થાંભલો બે ભાગમાં તૂટી ગયો. ત્યારબાદ કાર ડિવાઈડર તોડીને સામેની લેનમાં પલટી ગઈ. અકસ્માતની તીવ્રતા એટલી ભયાનક હતી કે ડિવાઈડરનો લગભગ 10 મીટરનો ભાગ ચકનાચૂર થઈ ગયો.

અકસ્માત બાદ કારમાં તરત જ આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે કારમાં સવાર લોકો બહાર નીકળી શક્યા નહીં. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કાર પલટી જવાને કારણે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેથી તેઓ બહાર નીકળવાનો પ્રયાસ પણ કરી શક્યા નહોતા. આગ લાગતાં જ કાર સળગવા લાગી અને જોતજોતામાં તમામ લોકો આગમાં ભસ્મ થઈ ગયા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. જ્યારે કારનો દરવાજો તોડવામાં આવ્યો ત્યારે અંદર માત્ર હાડપિંજર જ બચ્યાં હતાં. પોલીસે હાડપિંજરને બેગમાં ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યાં છે. કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે અને માત્ર તેનું માળખું જ બચ્યું છે. ક્રેનની મદદથી બળેલી કારને હાઈવે પરથી હટાવવામાં આવી.

અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ લાગી ગયો હતો. ભીડમાંથી કોઈએ ડાયલ 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી. હાલમાં મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.