મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય સુધી રોકાણ જાળવી રાખવાથી નાની રકમ પણ કેટલી મોટી બની શકે છે, તે કેટલાક જૂના ઈક્વિટી ફંડના રિટર્ન પરથી સમજી શકાય છે. વેલ્યુ રિસર્ચના આંકડા મુજબ, ચાર જૂના ફંડના રેગ્યુલર પ્લાને લાંબાગાળે રોકાણકારોને સારું વળતર આપ્યું છે. જો કોઈએ આ ફંડ શરૂ થયા વખતે એક લાખ રૂપિયાનું એકસાથે (લમ્પસમ) રોકાણ કર્યું હોત અને આજ સુધી જાળવી રાખ્યું હોત, તો તેની રકમ કરોડોમાં પહોંચી ગઈ હોત.
Nippon India Growth Mid Cap Fund: આ ફંડે શરૂઆતથી અત્યાર સુધી વાર્ષિક આશરે 21.42% રિટર્ન આપ્યું છે. આશરે 31 વર્ષ પહેલાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેની વેલ્યુ આજે લગભગ 4.1 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
Aditya Birla Sun Life Flexi Cap Fund: આ ફંડના રેગ્યુલર પ્લાને આશરે 28 વર્ષમાં વાર્ષિક 20.34% રિટર્ન નોંધાવ્યું છે. શરૂઆતમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તે વધીને લગભગ 1.78 કરોડ રૂપિયા થઈ ગયું હોત.
HDFC Flexi Cap Fund: લાંબાગાળે સંપત્તિ ઊભી કરતા જૂના ઈક્વિટી ફંડમાં આ ફંડનો સમાવેશ થાય છે. તેના રેગ્યુલર પ્લાને શરૂઆતથી અત્યાર સુધી વાર્ષિક આશરે 17.99% રિટર્ન આપ્યું છે. આશરે 31 વર્ષ સુધી એક લાખ રૂપિયાનું રોકાણ જાળવી રાખ્યું હોત, તો તેની વેલ્યુ લગભગ 1.69 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.
Franklin India Flexi Cap Fund: આ ફંડના રેગ્યુલર પ્લાને આશરે 32 વર્ષમાં વાર્ષિક 16.89% રિટર્ન આપ્યું છે. આ સમયગાળામાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તે વધીને લગભગ 1.48 કરોડ રૂપિયા થઈ ગયું હોત.
આ ઉદાહરણો દર્શાવે છે કે લાંબો સમય અને ચક્રવૃદ્ધિ વ્યાજ (કમ્પાઉન્ડિંગ) સાથે મળીને રોકાણની વેલ્યુમાં મોટો તફાવત લાવી શકે છે. પરંતુ એ સમજવું જરૂરી છે કે બધા મ્યુચ્યુઅલ ફંડ સરખું પર્ફોર્મ કરતા નથી. ફંડનું રિટર્ન બજારની ચાલ, પોર્ટફોલિયોમાંના શેર અને ફંડ મેનેજરની રણનીતિ પર આધાર રાખે છે. આ ઉપરાંત, અહીંના તમામ આંકડા રેગ્યુલર પ્લાનના છે. રેગ્યુલર પ્લાનમાં ડિરેક્ટ પ્લાન કરતાં ખર્ચનો દર (એક્સ્પેન્સ રેશિયો) વધુ હોઈ શકે છે, જે લાંબાગાળાના રિટર્નને અસર કરે છે.
નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. તે રોકાણની સલાહ નથી. શેર, સોના-ચાંદી, મ્યુચ્યુઅલ ફંડ કે IPOમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.