શેરબજારમાં ચાલી રહેલી ઉતાર-ચઢાવ વચ્ચે પણ રોકાણકારોનો મ્યુચ્યુઅલ ફંડ પરનો ભરોસો યથાવત્ છે. ઓગસ્ટ 2026માં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) ₹87.08 લાખ કરોડને પાર પહોંચ્યું છે અને માસિક SIP રોકાણ ₹32,297 કરોડની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.
એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)એ ગુરુવારે (10 સપ્ટેમ્બર) ઓગસ્ટ મહિનાના આંકડા જાહેર કર્યા. તેમાં દેખાયું કે ઇક્વિટી બજારમાં વધ-ઘટ હોવા છતાં રોકાણકારોએ નાણાં પાછા ખેંચવાને બદલે રોકાણ ચાલુ રાખ્યું. ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપ ફંડ્સમાં સૌથી વધુ રોકાણ આવ્યું, જ્યારે લાર્જકેપ ફંડ્સમાંથી નાણાં પાછા ખેંચાયા.
આંકડા મુજબ, ઓગસ્ટમાં તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા કુલ ₹14.09 લાખ કરોડ એકત્ર થયા, જ્યારે રોકાણકારોએ ₹13.68 લાખ કરોડ ઉપાડ્યા. એટલે કે ઓગસ્ટમાં ચોખ્ખું (નેટ) રોકાણ ₹41,353.60 કરોડ રહ્યું.
એક ફંડામેન્ટલ એનાલિસ્ટે જણાવ્યું કે સામાન્ય રીતે બજારમાં ઘટાડા વખતે મ્યુચ્યુઅલ ફંડમાં આવતું રોકાણ ઘટે છે, પણ આ વખતે એવું બન્યું નથી. આ દર્શાવે છે કે રોકાણકારોએ ગભરાવાને બદલે ઘટાડાને રોકાણની તક તરીકે લીધો.
સ્મોલકેપ ફંડ્સમાં સૌથી વધુ ₹7,973.33 કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું. મિડકેપ ફંડ્સમાં ₹6,989.40 કરોડ, ફ્લેક્સી કેપમાં ₹5,059.42 કરોડ, લાર્જ એન્ડ મિડકેપમાં ₹3,872.79 કરોડ અને મલ્ટિકેપ ફંડ્સમાં ₹3,732.77 કરોડ આવ્યા.
બીજી તરફ, લાર્જકેપ ફંડ્સમાંથી ₹1,147.36 કરોડ અને ELSS સ્કીમ્સમાંથી ₹1,078.32 કરોડનો ચોખ્ખો આઉટફ્લો થયો. ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સમાંથી ₹133.57 કરોડ અને સેક્ટોરલ ફંડ્સમાંથી ₹53.19 કરોડ પાછા ખેંચાયા.
ઓગસ્ટ 2026માં ઉદ્યોગનું AUM ₹87.08 લાખ કરોડ રહ્યું અને કુલ ફોલિયોની સંખ્યા 28.35 કરોડ રહી. SIP મારફતે આવેલી રકમ રેકોર્ડ ₹32,297 કરોડ રહી, જે જુલાઈમાં ₹31,961 કરોડ હતી. ઓગસ્ટ 2025ના ₹28,265 કરોડની સરખામણીએ આ આંકડો લગભગ 14 ટકા વધુ છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા પાંચ મહિનામાં SIP મારફતે કુલ રોકાણ ₹1.58 લાખ કરોડથી વધુ થઈ ગયું છે.
ઓગસ્ટના અંતે દેશમાં કુલ 1,935 ઓપન એન્ડેડ સ્કીમ્સ હતી, જેનું કુલ AUM ₹86.92 લાખ કરોડ અને ફોલિયોની સંખ્યા આશરે 28.31 કરોડ હતી. ઓપન એન્ડેડ સ્કીમ્સમાં ₹42,466.09 કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું, જ્યારે ક્લોઝ એન્ડેડ સ્કીમ્સમાંથી ₹1,112.38 કરોડ અને ઇન્ટરવલ સ્કીમ્સમાંથી ₹11 લાખનો ચોખ્ખો આઉટફ્લો થયો.
ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ્સમાં ઓગસ્ટ દરમિયાન કુલ ₹73,614.07 કરોડ રોકાયા, જ્યારે ₹44,285.45 કરોડ ઉપાડાયા. એટલે ઇક્વિટી ફંડ્સને ₹29,328.62 કરોડનું ચોખ્ખું રોકાણ મળ્યું. ઓગસ્ટના અંતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ એસેટ ₹39.21 લાખ કરોડ રહી. આ કેટેગરીમાં 579 સ્કીમ્સ અને આશરે 18.92 કરોડ ફોલિયો હતા.
એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF)માં ઓગસ્ટમાં ₹10,160.87 કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું. આ કેટેગરીની કુલ એસેટ ₹11.97 લાખ કરોડ અને ફોલિયોની સંખ્યા આશરે 3.97 કરોડ રહી. ઇક્વિટી ETFમાં ₹7,237.49 કરોડ, ગોલ્ડ ETFમાં ₹2,596.70 કરોડ અને સિલ્વર ETFમાં ₹1,270.63 કરોડ આવ્યા, જ્યારે ડેટ ETFમાંથી ₹944.97 કરોડ નીકળ્યા.
ઇન્ડેક્સ ફંડ્સમાં કુલ ₹787.49 કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું. ઇક્વિટી ઇન્ડેક્સ ફંડ્સમાં ₹2,392.87 કરોડ આવ્યા, જ્યારે ડેટ ઇન્ડેક્સ ફંડ્સમાંથી ₹1,609.58 કરોડ ઉપાડાયા.
ઓગસ્ટ મહિનામાં કુલ 26 નવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ (NFO) મારફતે ₹7,110 કરોડ એકત્ર થયા.