જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ₹5 લાખનું એકસાથે (લમ્પસમ) રોકાણ કરો અને લાંબા સમય સુધી તેને અડ્યા વગર રહેવા દો, તો આ રકમ કેટલી મોટી બની શકે? આ સવાલ ઘણા રોકાણકારોના મનમાં હોય છે. રોકાણમાં સૌથી મહત્ત્વનું પરિબળ ફક્ત રકમ નહીં, પણ સમય અને કમ્પાઉન્ડિંગ છે. અહીં આપણે 10%, 12% અને 15% વાર્ષિક રિટર્નની ધારણા સાથે 10, 15 અને 20 વર્ષની ગણતરી સમજીએ છીએ.
10 વર્ષ પછી: 10% વાર્ષિક રિટર્ન પર ₹5 લાખ આશરે ₹12.97 લાખ થઈ શકે છે. 12% રિટર્ન પર આ રકમ આશરે ₹15.53 લાખ અને 15% રિટર્ન પર આશરે ₹20.23 લાખ સુધી પહોંચી શકે છે. એટલે કે, 10% અને 15% વચ્ચે માત્ર 5%ના તફાવતથી 10 વર્ષમાં જ આશરે ₹7.26 લાખનો ફરક પડે છે.
15 વર્ષ પછી: 10% રિટર્ન પર ₹5 લાખ આશરે ₹20.89 લાખ થઈ શકે છે. 12% રિટર્ન પર આશરે ₹27.37 લાખ અને 15% રિટર્ન પર આશરે ₹40.69 લાખ સુધી પહોંચી શકે છે. અહીં 10% અને 15% વચ્ચેનો તફાવત આશરે ₹19.80 લાખનો થાય છે.
20 વર્ષ પછી: 10% રિટર્ન પર ₹5 લાખ આશરે ₹33.64 લાખ થઈ શકે છે. 12% રિટર્ન પર આશરે ₹48.23 લાખ અને 15% રિટર્ન પર આશરે ₹81.83 લાખ સુધી પહોંચી શકે છે. 20 વર્ષમાં 10% અને 15% રિટર્ન વચ્ચે અંતિમ રકમનો તફાવત આશરે ₹48 લાખનો છે, જ્યારે શરૂઆતી રોકાણ બંનેમાં ₹5 લાખ જ હતું.
લાંબાગાળે કમ્પાઉન્ડિંગની અસર ઝડપથી વધે છે. શરૂઆતમાં રકમનો વધારો સામાન્ય લાગે, પણ જેમ રિટર્ન પરથી પણ રિટર્ન મળવા લાગે, તેમ રકમ ઝડપથી વધે છે. તેથી લાંબાગાળના રોકાણમાં ફક્ત શરૂઆતી રકમ નહીં, પણ રોકાણને કેટલો સમય આપો છો તે પણ એટલું જ મહત્ત્વનું છે.
નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. રોકાણ બજાર જોખમો સાથે સંકળાયેલું છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.