સત્ય. સાહસ. સંકલ્પ.

મસ્ક અમેરિકાના દરેક બાળકને સ્પેસએક્સનો શેર આપશે, કિંમત ₹1 લાખ કરોડ

મસ્ક અમેરિકાના દરેક બાળકને સ્પેસએક્સનો શેર આપશે, કિંમત ₹1 લાખ કરોડ

દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિ ઈલોન મસ્કે 19 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેરાત કરી હતી કે આવતા વર્ષે અમેરિકાના દરેક બાળકને તેમની રોકેટ કંપની સ્પેસએક્સનો એક શેર ભેટમાં આપવામાં આવશે. જોકે, આ યોજના અંગે ઘણી બાબતો હજુ સ્પષ્ટ નથી.

હાલમાં સ્પેસએક્સના એક શેરની કિંમત 146 ડોલર એટલે કે આશરે 14,000 રૂપિયા છે. અમેરિકામાં આશરે 7.2 કરોડ બાળકો છે. આ રીતે વહેંચવામાં આવનારા શેરોનું કુલ મૂલ્ય લગભગ 1 લાખ કરોડ રૂપિયા થશે.

મસ્કે પોતાની પોસ્ટમાં 'અમેરિકાના દરેક બાળક'નો ઉલ્લેખ કર્યો છે, પરંતુ કેટલાક પ્રશ્નો ઊભા થાય છે: શું શેર ફક્ત અમેરિકન નાગરિકતા ધરાવતા બાળકોને જ મળશે કે અમેરિકામાં રહેતા અન્ય બાળકોને પણ? ઉંમરની કોઈ મર્યાદા જણાવવામાં આવી નથી, તેથી નવજાત શિશુઓને પણ શેર મળશે કે નહીં તે સ્પષ્ટ નથી. વધુમાં, માતાપિતાએ કયા દસ્તાવેજો જમા કરાવવા પડશે, કોઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે કે અન્ય કોઈ પ્રક્રિયા હશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી.

બાળકોના હાથમાં શેર કેવી રીતે પહોંચશે તે પણ સ્પષ્ટ નથી. શું શેર સીધો બાળકના નામે હશે કે જ્યાં સુધી બાળક પુખ્ત ન થાય ત્યાં સુધી માતા-પિતાના ખાતામાં રહેશે? કંપનીએ એ પણ જણાવ્યું નથી કે બાળક અથવા તેમના વાલીઓ આ શેર જ્યારે ઇચ્છે ત્યારે વેચી શકશે કે નહીં, અથવા તેને અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાશે કે નહીં.

શેરની કિંમત તે સમયે કંપનીના કુલ વેલ્યુએશન અને બાળકોને આપવામાં આવતા શેરની કેટેગરી પર નિર્ભર રહેશે. મસ્કે એ સ્પષ્ટ કર્યું નથી કે આ કયા ક્લાસના શેર હશે અને શું શેર મેળવનારા બાળકોને અન્ય શેરહોલ્ડર્સની જેમ મતદાનનો અધિકાર મળશે કે નહીં.

સ્પેસએક્સમાં મસ્કની હિસ્સેદારી 30 જૂન 2026 સુધીની નિયમનકારી ફાઇલિંગ મુજબ 48.4% છે, જેનું મૂલ્ય આશરે 860 બિલિયન ડોલર (લગભગ 80 લાખ કરોડ રૂપિયા) હતું. તેમની પાસે કુલ 6.42 અબજ શેર છે, જે વિવિધ ક્લાસ અને ટ્રસ્ટમાં વહેંચાયેલા છે: ટ્રસ્ટ દ્વારા ક્લાસ A શેર (84.95 કરોડ), ટ્રસ્ટ દ્વારા ક્લાસ B શેર (3.92 અબજ), સીધા ક્લાસ B શેર (1.30 અબજ, જે 'રિસ્ટ્રિક્ટેડ' છે) અને સ્ટોક ઑપ્શન્સ હેઠળ 35 કરોડ ક્લાસ B શેર ખરીદવાનો અધિકાર.

મસ્કે કહ્યું કે આ અનેક યોજનાઓમાંથી પ્રથમ યોજના છે, જે દર્શાવે છે કે તેઓ આગામી દિવસોમાં વધુ મોટી જાહેરાતો કરી શકે છે. જોકે, બાકીની યોજનાઓ વિશે કોઈ સમય જણાવાયો નથી.

અમેરિકામાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના નામે શેર રાખવા માટે 'કસ્ટોડિયલ એકાઉન્ટ્સ' ખોલવામાં આવે છે, જેમાં બાળક પુખ્ત વયનું થાય ત્યાં સુધી તેની જવાબદારી માતા-પિતા અથવા વાલી પાસે રહે છે.

સ્પેસએક્સની સ્થાપના 2002માં એલોન મસ્કે કરી હતી. કંપનીએ 31 મે 2020ના રોજ વિશ્વનું પ્રથમ ખાનગી માનવ મિશન લોન્ચ કર્યું હતું, જેમાં રોબર્ટ બેહનકેન અને ડગ્લસ હર્લી અંતરિક્ષમાં ગયા હતા. રિયુઝેબલ રોકેટ ટેક્નોલોજી વિકસાવીને કંપનીએ સેટેલાઇટ લોન્ચિંગ અને અન્ય અંતરિક્ષ મિશનોને સસ્તાં બનાવ્યાં છે.