વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કે જાહેરાત કરી છે કે તેમની રોકેટ નિર્માતા કંપની SpaceXનો એક-એક શેર અમેરિકાના દરેક બાળકને ભેટ આપવામાં આવશે. આ પહેલ આવતા વર્ષથી શરૂ થશે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આ જાહેરાત કરી છે અને કહ્યું છે કે આ તો માત્ર શરૂઆત છે, ભવિષ્યમાં આવા બીજા ઘણા પગલાં લેવામાં આવશે.
સંયુક્ત રાષ્ટ્રના ડેટા મુજબ અમેરિકામાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા આશરે 7.4 કરોડ છે. SpaceXના એક શેરની કિંમત હાલમાં લગભગ 146 ડોલર એટલે કે ભારતીય ચલણમાં આશરે 13,861 રૂપિયા છે. આ ગણતરી મુજબ મસ્ક પોતાના હિસ્સામાંથી કુલ 10.8 અબજ ડોલર એટલે કે અંદાજે 1.02 લાખ કરોડ રૂપિયાના શેર બાળકોને ભેટ આપશે. આ રકમ વિશ્વના આશરે 38 દેશોના વાર્ષિક GDP કરતાં પણ વધારે છે.
એલોન મસ્ક SpaceXના સૌથી મોટા શેરહોલ્ડર છે. તાજેતરની રેગ્યુલેટરી ફાઈલિંગ મુજબ 30 જૂન સુધીમાં કંપનીમાં તેમનો હિસ્સો 48.4 ટકા હતો. તેમની પાસે કંપનીના કુલ આશરે 6.42 અબજ શેર છે. આમાં તેમના ટ્રસ્ટ હેઠળ રાખવામાં આવેલા 849.5 મિલિયન 'ક્લાસ A' શેર અને 3.92 અબજ 'ક્લાસ B' શેર સામેલ છે. આ ઉપરાંત મસ્ક વ્યક્તિગત રીતે સીધા 1.30 અબજ 'ક્લાસ B' રિસ્ટ્રિક્ટેડ શેર ધરાવે છે અને સ્ટોક ઓપ્શન હેઠળ વધારાના 350 મિલિયન 'ક્લાસ B' શેર પર તેમનો અધિકાર છે.
મસ્કે હજી સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે શેર કઈ પ્રક્રિયા હેઠળ વહેંચવામાં આવશે. કયા બાળકો પાત્ર બનશે, શેર કઈ તારીખે ખાતામાં જમા થશે, સરકાર તરફથી કઈ મંજૂરીઓની જરૂર પડશે અને શેર સીધા બાળકોના નામે થશે કે કોઈ વિશેષ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરાશે તેની વિગતો આવનારા દિવસોમાં જાહેર થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે SpaceX વિશ્વની સૌથી મૂલ્યવાન ખાનગી કંપનીઓમાં સામેલ છે, જે અંતરિક્ષ રોકેટ લોન્ચિંગ, સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ અને માનવ અંતરિક્ષ મિશન ક્ષેત્રે અગ્રણી કામગીરી કરી રહી છે.