સત્ય. સાહસ. સંકલ્પ.

રાજીનામા બાદ જેન્સન હુઆંગને મસ્કની ઓફર: 'તેમને હાયર કરવું મારા માટે સન્માનની વાત'

રાજીનામા બાદ જેન્સન હુઆંગને મસ્કની ઓફર: 'તેમને હાયર કરવું મારા માટે સન્માનની વાત'

વિશ્વની અગ્રણી ચિપ નિર્માતા કંપની એનવીડિયા (Nvidia)ના સીઈઓ જેન્સન હુઆંગે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમના પર ચીની જાસૂસ સાથે સંબંધો અને રાષ્ટ્રીય સુરક્ષાના ગંભીર આરોપો લાગ્યા છે. આ ઘટનાક્રમ વચ્ચે ટેસ્લા અને સ્પેસએક્સના સ્થાપક ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક નિવેદન આપ્યું છે, જેનાથી ટેક જગતમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.

એક્સ પર 'ઝીરોહેજ' (ZeroHedge) નામના એકાઉન્ટે ઇલોન મસ્કને ટેગ કરીને લખ્યું હતું, 'ઇલોન, કૃપા કરીને જેન્સન હુઆંગને હાયર કરી લો.' આ ટ્વીટનો જવાબ આપતાં મસ્કે કહ્યું, 'તેમને હાયર કરવું મારા માટે સન્માનની વાત હશે.' મસ્કના આ નિવેદનથી અટકળો શરૂ થઈ છે કે શું હુઆંગ આગામી સમયમાં મસ્ક સાથે કામ કરી શકે છે.

જેન્સન હુઆંગના વિવાદોનું મુખ્ય કારણ એલિસ હુઆંગ સાથેના સંબંધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સિંગાપોરની ડેટા કંપની 'મેગાસ્પોર્ડ'ની પૂર્વ અધિકારી રહી ચૂકેલી એલિસ પર યુએસ ગુપ્તચર અધિકારીઓએ ચીન માટે જાસૂસી કરવાની શંકા વ્યક્ત કરી છે. એજન્સીઓનું માનવું છે કે એશિયામાં એનવીડિયાના ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ પર કામ કરતી વખતે તેમણે બેઈજિંગને ગુપ્ત માહિતી મોકલી હતી. આ ઉપરાંત, ચીનની કંપનીઓને એનવીડિયાની અદ્યતન ચિપ મોકલવાને લઈને પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

એલિસ હુઆંગ સાથેનો મામલો શાંત નહોતો થયો ત્યાં જ મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો કે હુઆંગના સંબંધો એનવીડિયાની હેલ્થકેર વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પાવેલ સાથે પણ હતા. કિમ્બર્લી પાવેલ 2008થી એનવીડિયા સાથે જોડાયેલી હતી અને સીધી હુઆંગને રિપોર્ટ કરતી હતી. રિપોર્ટ્સ મુજબ, માર્ચ મહિનામાં કેલિફોર્નિયાના સેન જોસમાં એક કોન્ફરન્સ દરમિયાન બંનેને હોટેલમાં ખૂબ નજીક જોવામાં આવ્યા હતા.

આ તમામ વિવાદો અને સોશિયલ મીડિયા પર ઊઠેલા તોફાન બાદ આખરે જેન્સન હુઆંગે રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામા બાદ હવે કંપનીની કમાન કોલેટ ક્રેસને સોંપવામાં આવી છે, જેઓ છેલ્લા 13 વર્ષથી વધુ સમયથી એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે.