સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકી ચૂંટણીમાં હાર બાદ ઈલોન મસ્કે ટ્રમ્પની પાર્ટીના સમર્થનવાળી પોસ્ટ્સ હટાવી, સંપત્તિમાં ₹2 લાખ કરોડનો ઘટાડો

અમેરિકી ચૂંટણીમાં હાર બાદ ઈલોન મસ્કે ટ્રમ્પની પાર્ટીના સમર્થનવાળી પોસ્ટ્સ હટાવી, સંપત્તિમાં ₹2 લાખ કરોડનો ઘટાડો

અમેરિકામાં તાજેતરમાં યોજાયેલી મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ અબજોપતિ ઈલોન મસ્કે રિપબ્લિકન પાર્ટીના સમર્થનમાં કરેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે.

મસ્કે ચૂંટણી પ્રચાર દરમિયાન રિપબ્લિકન ઉમેદવારોના સમર્થન માટે ઓછામાં ઓછા 458 મિલિયન ડોલર (આશરે રૂ. 4,400 કરોડ) ખર્ચ્યા હતા. ચૂંટણી પરિણામો બાદ તેમની સંપત્તિમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અંદાજ મુજબ, તેમની નેટવર્થમાં આશરે રૂ. 2.8 લાખ કરોડનો ઘટાડો થયો છે.

અમેરિકી સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં કુલ 435 બેઠકો છે, જેમાંથી 249 બેઠકો પર ડેમોક્રેટિક પાર્ટીએ જીત મેળવી છે, જ્યારે રિપબ્લિકન પાર્ટીને 157 બેઠકો મળી છે. 29 બેઠકોના પરિણામો હજી આવવાના બાકી છે. ડેમોક્રેટ્સે બહુમતી માટે જરૂરી 218 બેઠકો કરતાં વધુ બેઠકો જીતી લીધી છે.

સેનેટની 100 બેઠકોમાંથી 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધી 33 બેઠકોના પરિણામો જાહેર થયા છે, જેમાં ડેમોક્રેટ્સે 20 અને રિપબ્લિકન્સે 13 બેઠકો જીતી છે. બે બેઠકોના પરિણામો બાકી છે. આ પરિણામો સાથે સેનેટમાં ડેમોક્રેટ્સ પાસે 54 અને રિપબ્લિકન્સ પાસે 44 બેઠકો થઈ જશે. બહુમતી માટે 51 બેઠકોની જરૂર છે.

ગવર્નર ચૂંટણીમાં 36 બેઠકોમાંથી 34 રાજ્યોના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. તેમાં 22 ડેમોક્રેટ્સ અને 12 રિપબ્લિકન્સે જીત મેળવી છે. બે રાજ્યોના પરિણામો બાકી છે.

રિપબ્લિકન પાર્ટીની હાર બાદ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ રાષ્ટ્રપતિ ટ્રમ્પથી અંતર જાળવી રહ્યા હોવાના અહેવાલ છે. વેન્સ 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે અને ટ્રમ્પથી નારાજ મતદારોને પોતાના પક્ષે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મતદારોમાં ઈરાન યુદ્ધ, મોંઘવારી અને ઇઝરાયલને અમેરિકાના સમર્થનથી નારાજ લોકોનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો અનુસાર, વેન્સે ચૂંટણીમાં હારનું કારણ ઈરાન યુદ્ધને ગણાવ્યું છે, જ્યારે ટ્રમ્પ પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવી રહ્યા છે. ટ્રમ્પ હાલમાં વેન્સ અથવા અન્ય કોઈ નેતાને પોતાના ઉત્તરાધિકારી જાહેર કરવાના પક્ષમાં નથી અને તેમણે સંકેત આપ્યા છે કે પાર્ટીના આગામી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની પસંદગી પાર્ટીની અંદર ચૂંટણી દ્વારા થઈ શકે છે.

યુનિવર્સિટી ઓફ એસેક્સની પ્રોફેસર નતાશા લિન્ડસ્ટેડના જણાવ્યા મુજબ, રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ ઘણા કારણો હતા. તેમાં ઈરાન યુદ્ધને કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફથી ખેડૂતો અને વ્યવસાયો પર અસર, ઇમિગ્રેશન એજન્સી ICEના દરોડાઓથી નારાજગી, એપસ્ટીન ફાઇલોનો મુદ્દો અને ટ્રમ્પ પોતાની ભૂલો સ્વીકારતા નથી તેવું વલણ સામેલ છે.