સત્ય. સાહસ. સંકલ્પ.

મસ્ક Vs અંબાણી વિવાદ: સ્ટારલિંકને સ્વાગત છે, પણ દેશના નિયમો લાગુ પડશે – રિલાયન્સ

મસ્ક Vs અંબાણી વિવાદ: સ્ટારલિંકને સ્વાગત છે, પણ દેશના નિયમો લાગુ પડશે – રિલાયન્સ

નવી દિલ્હી/મુંબઈ: સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે કહ્યું કે તેમને સ્પર્ધાથી કોઈ ડર નથી. કંપનીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે ખરી સ્પર્ધા એ છે જેનાથી ખબર પડે કે સૌથી સારી સેવા કોણ આપી રહ્યું છે.

રિલાયન્સે આ નિવેદન એલોન મસ્કના તે આરોપો બાદ આપ્યું, જેમાં તેમણે ભારતીય ટેલિકોમ કંપનીઓ પર સ્ટારલિંકનો રસ્તો રોકવાનો આરોપ મૂક્યો હતો.

રિલાયન્સની પોસ્ટમાં કહેવામાં આવ્યું: “અમે પણ એવા વાતાવરણમાં આગળ વધ્યા છીએ જ્યાં નવી વિચારસરણી અને રોકાણનું સ્વાગત થાય છે – પછી તે દેશી હોય કે વિદેશી. પરંતુ આ બધું નિયમો અને કાયદા અનુસાર જ ચાલે છે. સરકારના નિયમો દરેક માટે સરખા છે, પછી કંપની દેશી હોય કે વિદેશી. જિયો સેટેલાઇટને પણ હજુ સુધી સરકાર તરફથી પૂરી મંજૂરી મળી નથી અને તે પોતાના વારાની રાહ જોઈ રહી છે.”

કંપનીએ ઉમેર્યું, “અમે સ્ટારલિંક જેવી નવી કંપનીઓનું સ્વાગત કરીએ છીએ. 2016માં જ્યારે જિયો શરૂ થઈ ત્યારે તેની પાસે એક પણ ગ્રાહક નહોતો અને બજારમાં અનેક કંપનીઓ પહેલેથી હાજર હતી. તેમ છતાં 10 વર્ષમાં જિયોએ 53 કરોડથી વધુ ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો અને દેશને સૌથી સસ્તો ડેટા તથા શ્રેષ્ઠ સેવા આપી. જિયો હોય કે સ્ટારલિંક, દરેક કંપનીએ ભારતના કાયદા અને નિયમોનું પાલન કરવું જ પડશે.”

ઉલ્લેખનીય છે કે એલોન મસ્ક ભારતમાં સ્ટારલિંકના લોન્ચિંગમાં થઈ રહેલા વિલંબને લઈને છેલ્લા કેટલાક દિવસોથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. આ વિલંબ માટે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને જવાબદાર ઠેરવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં એક પોસ્ટમાં મસ્કે મુકેશ અંબાણીને ‘પ્રાઇમ મિનિસ્ટર અંબાણી’ કહીને કટાક્ષ કર્યો હતો અને તેમને ભારતના વાસ્તવિક બોસ ગણાવ્યા હતા.

મસ્કની દલીલ છે કે સ્ટારલિંક ભારતના ઇન્ટરનેટ વગરના વિસ્તારોમાં કનેક્ટિવિટી પહોંચાડી શકે છે. તેનાથી દૂરદરાજના વંચિત બાળકોને શિક્ષણ અને નાના વેપારીઓને વૈશ્વિક બજાર સુધી પહોંચ મળશે.

જવાબમાં કેટલાક લોકોએ કહ્યું કે ભારતમાં દુનિયાનું સૌથી સસ્તું અને ઝડપી ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. અહીં માત્ર ₹300-400 પ્રતિ મહિને 60GB ડેટા મળે છે, જે દૂરદરાજના ગામોમાં પણ સારી રીતે કામ કરે છે. ત્યારે સવાલ થાય છે કે જ્યારે સ્ટારલિંક અન્ય દેશોમાં લગભગ ₹2,200 પ્રતિ મહિને ચાર્જ કરે છે, ત્યારે ભારતમાં તેને કોણ ખરીદશે?

આ તર્કનો જવાબ આપતા મસ્કે કહ્યું કે એક તરફ તેઓ દાવો કરે છે કે ભારતમાં સ્ટારલિંક જિયોના સસ્તા પ્લાનનો મુકાબલો કરી શકશે નહીં, અને બીજી તરફ એ પણ કહે છે કે સ્ટારલિંકથી સ્પર્ધા વધશે. આ બંને વાતો એકસાથે સાચી હોઈ શકે નહીં. સામાન્ય રીતે બજારમાં સ્પર્ધા વધવાથી સામાન્ય ગ્રાહકને જ ફાયદો થાય છે. સ્ટારલિંક આવવાથી અંબાણીની કંપનીનો નફો થોડો ઘટી શકે, પણ વ્યવસાય બંધ નહીં થાય. અને જો ભારતમાં સ્ટારલિંક ખૂબ મોંઘી હશે તો કોઈ ખરીદશે નહીં, તેથી સ્પેસએક્સને અહીં ટકવા માટે ભાવ સસ્તા રાખવા પડશે.

‘ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2026’માં કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સરકારનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે કહ્યું કે ભારતમાં કોઈપણ ક્ષેત્રમાં મોનોપોલીને મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે દેશમાં ત્રણ સેટેલાઇટ ઇન્ટરનેટ કંપનીઓને લાઇસન્સ મળી ચૂક્યાં છે:

1. રિલાયન્સ જિયો સેટકોમ
2. ભારતી એરટેલ સપોર્ટેડ યુટેલસેટ વનવેબ
3. ઇલોન મસ્કની સ્ટારલિંક

જોકે, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે લાઇસન્સ મેળવનારી આ તમામ કંપનીઓની સુરક્ષા મંજૂરી હજુ બાકી છે. આ ઉપરાંત સેટેલાઇટ સ્પેક્ટ્રમના ભાવ નક્કી કરવાનું માળખું પણ તૈયાર થઈ રહ્યું છે. તમામ જરૂરી શરતો પૂરી થયા બાદ જ ભારતમાં આ સેવાઓ શરૂ થઈ શકશે.

વર્ષ 2024માં ભારતીય એજન્સીઓએ અંદમાન-નિકોબાર દ્વીપસમૂહમાં ડ્રગ્સની તસ્કરીની તપાસ દરમિયાન અને મણિપુરમાં સેનાના એક ઓપરેશન દરમિયાન સ્ટારલિંકનાં ઉપકરણો જપ્ત કર્યા હતાં. ત્યારે ઇલોન મસ્કે કહ્યું હતું કે ભારતમાં સ્ટારલિંકની સેવા ક્યારેય સક્રિય જ નહોતી અને મળેલાં ઉપકરણો સ્ટારલિંકના સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કરી શકતાં જ નહોતાં.