કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય કાર્ય રાજ્યમંત્રી એલ. મુરુગને મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યસભાની સદસ્યતા છોડવાની પણ મંજૂરી માંગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં તેમણે મંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે અને જણાવ્યું છે કે તેઓ હવે તમિલનાડુમાં પક્ષનું સંગઠન મજબૂત કરવા સંપૂર્ણ સમય આપવા માંગે છે.
મુરુગને પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે તેમનો મુખ્ય હેતુ 2029ની લોકસભા ચૂંટણી પહેલાં તમિલનાડુમાં ભાજપનો પાયો વધુ મજબૂત કરવાનો છે. તેમણે લખ્યું કે, ‘હું દરેક ગામ અને શેરીમાં જવા માંગુ છું, લોકોને મળવા માંગુ છું અને અમારા કાર્યકર્તાઓ સાથે ઊભા રહીને રાજ્યના ખૂણે-ખૂણે પક્ષની પહોંચ વધારવા માંગુ છું. તેથી મને રાજ્યમંત્રી પદની જવાબદારીમાંથી મુક્ત કરી રાજ્યસભા છોડવાની પરવાનગી આપો.’
પોતાની પારિવારિક પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતાં મુરુગને જણાવ્યું કે તેમના માતા-પિતા ખેતમજૂર અને પશુપાલક હતા અને આજે પણ ગામમાં સાદું જીવન જીવે છે. તેમણે પત્રમાં લખ્યું કે, ‘દૈનિક મજૂરી કરતા પરિવારમાંથી આવીને વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળમાં કામ કરવાની તક મળવી એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય રહ્યું છે. રાષ્ટ્ર પ્રથમ, પક્ષ પછી અને પોતે સૌથી છેલ્લે — એ સિદ્ધાંત સાથે હવે હું ફરીથી જમીની સ્તરે કામ કરવા પરત ફરી રહ્યો છું.’
વડાપ્રધાન મોદીના હાલના તમિલનાડુ પ્રવાસ દરમિયાન લોકોમાં જોવા મળેલા ઉત્સાહનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે લોકોનો પ્રેમ દર્શાવે છે કે તમિલનાડુમાં ભાજપનું ભવિષ્ય ઉજ્જવળ છે. આ સમર્થનને મોટા જનાંદોલનમાં ફેરવવા માટે તેઓ હવે પોતાની તમામ ઊર્જા અને સમય રાજ્યમાં સંગઠન વિસ્તરણ પાછળ લગાવવા કટિબદ્ધ છે.
ડો. એલ. મુરુગનનો જન્મ 29 મે 1977ના રોજ તમિલનાડુના નમક્કલ જિલ્લાના કોનૂર ગામમાં થયો હતો. કાયદાના ક્ષેત્રમાં ડોક્ટરેટ સુધીનો અભ્યાસ કરનાર મુરુગન 15 વર્ષ સુધી મદ્રાસ હાઈકોર્ટમાં ભારત સરકારના વકીલ રહ્યા છે. તેઓ ABVP અને RSS સાથે જોડાયેલા રહ્યા તેમજ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ (SC) આયોગના ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 12 માર્ચ 2020ના રોજ તેઓ તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા અને જુલાઈ 2021થી કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા.