નવી દિલ્હીમાં યોજાયેલા 21મા ફિક્કી હાયર એજ્યુકેશન સમિટ 2026માં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીએ લોકશાહી, ચૂંટણી પંચ, વિદ્યાર્થી આંદોલન અને નવી શિક્ષણ નીતિ (NEP) અંગે મહત્ત્વની ટિપ્પણી કરી છે.
ચૂંટણી પંચની કામગીરી અને વિપક્ષ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ વચ્ચે જોષીએ કહ્યું કે, 'લોકશાહીની સફળતા માટે નિષ્પક્ષ ચૂંટણીઓ, જવાબદાર સરકાર અને પારદર્શક વહીવટી તંત્ર જરૂરી છે. જો લોકશાહીમાં ક્યાંય પણ બંધારણનો ઉલ્લંઘન થતો હોય, તો સુપ્રીમ કોર્ટે તેમાં દખલ કરવી જોઈએ.' તેમના આ નિવેદનને લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા અંગેની ચર્ચામાં મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.
દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનો અંગે પૂર્વ શિક્ષણ મંત્રીએ કહ્યું કે, 'સરકાર કે પ્રશાસને બળપ્રયોગ કે લાઠીચાર્જ કરવાને બદલે વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણીઓ સંવેદનશીલતાથી સાંભળવી જોઈએ. લાઠીચાર્જથી કોઈ સમસ્યા ઉકેલાતી નથી, કારણ કે આંદોલન કરનારા વિદ્યાર્થીઓ આપણા પોતાના જ સંતાનો છે.'
નવી શિક્ષણ નીતિ (NEP) અંગે પૂછવામાં આવતા જોષીએ જણાવ્યું કે, 'આ નીતિને લાગુ થયાને વધુ સમય થયો નથી, તેથી તેના સંપૂર્ણ પરિણામોનું આકલન કરવું હાલ વહેલું ગણાશે. આ માત્ર શરૂઆત છે અને તેના સાચા પરિણામો સમય જતાં સામે આવશે.'