સત્ય. સાહસ. સંકલ્પ.

મુનમુન દત્તાએ ઘરે કરી નવરાત્રિ પૂજા, વૈભવી ઘરની તસવીરો શેર

મુનમુન દત્તાએ ઘરે કરી નવરાત્રિ પૂજા, વૈભવી ઘરની તસવીરો શેર

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબિતાજીની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી મુનમુન દત્તાએ નવરાત્રિના પવિત્ર અવસરે પોતાના ઘરે દેવીની પૂજા કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પૂજાની તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં તેના ઘરની સુંદર સજાવટ જોવા મળે છે.

શેર કરાયેલા વીડિયોમાં મુનમુન હવનકુંડમાં આહુતિ આપતી અને પૂજા કરતી જોવા મળે છે. પૂજા પૂર્ણ થયા બાદ તેણે આખા ઘરમાં ધૂપ કર્યો હતો. આ પ્રસંગે તેણે વાદળી રંગની પરંપરાગત સાડી પહેરી હતી. સુંદર હેરસ્ટાઇલ, મોટા કાનનાં ઝુમખાં અને કપાળ પર તિલક સાથે તેનો પરંપરાગત અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.

મુનમુનના ઘરની સજાવટ પણ આ તસવીરોમાં ખાસ ધ્યાન ખેંચે છે. ઘરના ઇન્ટિરિયરમાં સફેદ, રાખોડી અને ગોલ્ડન રંગોનો સુંદર સમન્વય જોવા મળે છે, જે ઘરને આધુનિક અને વૈભવી લુક આપે છે. દિવાલો પરનાં ચિત્રો, આકર્ષક ફર્નિચર અને સુવ્યવસ્થિત સજાવટ ઘરની સુંદરતામાં વધારો કરે છે.

મુનમુન દત્તાની સફળતાની સફર જોકે એટલી સરળ રહી નથી. કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવેલી અભિનેત્રીએ શરૂઆતના સમયમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અગાઉના એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે એક સમય એવો પણ હતો, જ્યારે તેની પાસે ઘરનું ભાડું ચૂકવવા માટે પૂરતા પૈસા નહોતા. જોકે, સતત મહેનત અને અભિનય પ્રત્યેના સમર્પણના કારણે તેણે મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી. સમય જતાં તેણે પોતાની કમાણીમાંથી મુંબઈમાં ઘર ખરીદ્યું, જે તેની મહેનત અને સફળતાનું પ્રતીક છે.

અંગત જીવનની વાત કરીએ તો મુનમુન દત્તા 39 વર્ષની ઉંમરે પણ અપરિણીત છે. તેના અંગત જીવન વિશે અવારનવાર ચર્ચાઓ થતી રહે છે, પરંતુ અભિનેત્રી સામાન્ય રીતે આ મુદ્દે વધુ વાત કરવાનું ટાળે છે. તે પોતાની માતા અને બે પાલતુ બિલાડીઓ સાથે રહે છે. કામની વ્યસ્તતા વચ્ચે પરિવાર સાથે સમય વિતાવવો અને ધાર્મિક પરંપરાઓનું પાલન કરવું તેના જીવનનો મહત્ત્વનો ભાગ હોવાનું તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પરથી જોવા મળે છે.