બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાન પ્રણાલીની અસરથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડ્યો છે. મુંબઈ અને થાણે સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આસપાસના વિસ્તારમાં પણ પાણી ભરાયું હતું.
મુંબઈના સાયન વિસ્તારમાં પાણી ભરાતાં જનજીવન પ્રભાવિત થયું છે. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને વિલે પાર્લેમાં પણ ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયું છે. વસઈ અને વિરારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે અને અનેક વાહનો ડૂબી ગયા છે.
ગણેશોત્સવમાં હવે એક દિવસ બાકી હોવાથી ભારે વરસાદે આયોજકોની ચિંતા વધારી છે. વરસાદની સ્થિતિ જોતાં ઉત્સવના આયોજન અને ભક્તોની અવરજવર પર અસર પડવાની શક્યતા છે.
ઉત્તરાખંડ: પિથોરાગઢમાં પુલ તૂટ્યો
ઉત્તરાખંડના પિથોરાગઢમાં વરસાદની સૌથી મોટી અસર જોવા મળી છે. તવાઘાટ-ગુન્જી હાઈવે પર કુલાગાડમાં બનાવવામાં આવેલો 170 મીટર લાંબો બેલી બ્રિજ પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો છે. આ પુલ ધારમા, વ્યાસ અને ચૌદાસ ઘાટીઓને જોડતો હતો. પુલ તૂટી જતાં ત્રણેય ઘાટીઓનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. તેની અસર ચીન સરહદ સાથે જોડાયેલા 35 ગામોની 30 હજારથી વધુ વસ્તી પર પડી છે. સરહદ પર તૈનાત સૈનિકોની મુશ્કેલીઓ પણ વધી છે.
બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા 4 સપ્ટેમ્બરે જ આ પુલ તૈયાર કરવામાં આવ્યો હતો. તેના કારણે ચીન સરહદને અડીને આવેલી ત્રણેય ઘાટીઓનો સંપર્ક ફરીથી સ્થાપિત થયો હતો. પરંતુ શુક્રવાર રાત્રે થયેલા અતિભારે વરસાદ બાદ કુલાગાડમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ બની ગયો હતો. આ તેજ પ્રવાહમાં તાજેતરમાં બનાવવામાં આવેલો બેલી બ્રિજ પણ તણાઈ ગયો. પુલ તણાઈને કાલી નદીના પ્રવાહ સાથે નેપાળ સરહદ તરફ પહોંચી ગયો હતો.
હાઈવે પર 10 કલાક વાહનવ્યવહાર બંધ
ટનકપુર-પિથોરાગઢ હાઈવે પર ઘાટ બેન્ડ પાસે પહાડ પરથી મોટા પથ્થરો અને બોલ્ડર પડવા લાગ્યા હતા. જેના કારણે આશરે 10 કલાક સુધી રસ્તા પર વાહનવ્યવહાર બંધ રહ્યો હતો. સેંકડો મુસાફરો અને વાહનો હાઈવે પર ફસાઈ ગયા હતા. તેમાં ટેક્સી, બસ અને માલવાહક વાહનોનો પણ સમાવેશ થાય છે. પહાડ પરથી સતત પથ્થરો પડતાં રસ્તો બંધ રહ્યો હતો અને વાહનવ્યવહારને ભારે અસર થઈ હતી.