સત્ય. સાહસ. સંકલ્પ.

CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું જ પડશે, જેલમાં નાંખો તો પણ આંદોલન ચાલુ રહેશે: અભિજીત દીપકેની ચેતવણી

CEC જ્ઞાનેશ કુમારનું રાજીનામું જ પડશે, જેલમાં નાંખો તો પણ આંદોલન ચાલુ રહેશે: અભિજીત દીપકેની ચેતવણી

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકેએ મુંબઈમાં 2 ઑક્ટોબરે વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. મુંબઈ પ્રેસ ક્લબમાં મીડિયા સાથે વાત કરતાં દીપકેએ કહ્યું કે, પ્રશાસનની મંજૂરી ન મળે તો પણ આંદોલન થશે જ. તેમણે ચેતવણી આપી હતી કે, 'જો તંત્ર પ્રદર્શનની પરવાનગી નહીં આપે તો પણ અમે પાછળ હટીશું નહીં. મુંબઈ પોલીસ, દિલ્હી પોલીસ નથી અને મને વિશ્વાસ છે કે મુંબઈ પોલીસ સ્થિતિને વધુ સારી રીતે સંભાળશે. દિલ્હીમાં વિરોધ છતાં વિદ્યાર્થીઓ પોતાની વાત રજૂ કરતાં રહ્યા છે.'

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રદર્શન કરનારાઓને 3 દિવસ સુધી જામીન નહીં મળે તેવી ચેતવણી આપી હતી. જવાબમાં દીપકેએ કહ્યું, 'સરકાર અમને 3 દિવસ નહીં પણ 3 મહિના જેલમાં રાખવા માગતી હોય તો પણ અમે તૈયાર છીએ, પરંતુ પ્રોટેસ્ટ થઈને જ રહેશે.'

મુખ્ય ચૂંટણી કમિશનર સામે ફોજદારી ફરિયાદની માગ કરતાં દીપકેએ જણાવ્યું કે, 'મુખ્ય ચૂંટણી કમિશનરે રાજીનામું આપવું જોઈએ અને તેમની સામે ગુનાહિત કેસ દાખલ થવો જોઈએ. જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો ઑક્ટોબરના અંતથી દિલ્હીના જંતર-મંતર ખાતે આંદોલન શરૂ કરવામાં આવશે.'

માંગપક્ષ દ્વારા CECની નિમણૂક પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવા અને તેમાં નાગરિક સમાજની સીધી ભાગીદારી સુનિશ્ચિત કરવાની માગ કરવામાં આવી છે. ઉપરાંત 2025ની મતદાર યાદીને સ્થિર રાખવા અને તેમાં કોઈપણ પ્રકારના આગળના ફેરફારો ન કરવાની રજૂઆત કરવામાં આવી છે.

મતદાર યાદીમાં ફેરફાર અંગે ચિંતા વ્યક્ત કરતાં દીપકેએ કહ્યું, '2024ની લોકસભા ચૂંટણીમાં મતોનો તફાવત માત્ર 2 ટકા જેટલો રહ્યો હતો. આવી સ્થિતિમાં 13 કરોડ જેટલા મતદારોના નામ હટાવવાના દાવાઓ બાદ ચૂંટણીની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઊભા થાય છે.' જોકે ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે SIR સંબંધિત તમામ નિર્ણયો ત્રણેય કમિશનરો દ્વારા સર્વસંમતિથી લેવામાં આવ્યા છે.

મુંબઈમાં શિવાજી પાર્ક ખાતે આયોજિત પ્રદર્શન અંગે આશુતોષ રાંકાએ પ્રશાસન સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે, 'રાજકીય પક્ષોને શિવાજી પાર્કમાં રેલી કરવાની છૂટ મળે છે તો અમને કેમ નહીં? જો પોલીસ અટકાયતી પગલાં ભરવા માગતી હોય તો અમે જેલમાં જવા પણ તૈયાર છીએ.'

મુંબઈ પોલીસે શિવાજી પાર્કમાં સભા યોજવાની મંજૂરી આપવાનો ઇન્કાર કરતાં હવે 'જેલ ભરો' આંદોલનની તૈયારીઓ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ઉપરાંત ગોવા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં પણ આંદોલનને લઈ જવાની યોજના છે.